Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૨૨]
શ્રી નંદી સૂત્ર
દોહદ ઉત્પન્ન થયો. હું એક મોટા હાથી પર આરૂઢ થઈને ધન દાન તથા અભયદાન આપું. એવા તેના મનમાં વિચારો આવ્યા. પછી તેણીએ પોતાના પિતાને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી. પિતાએ સહર્ષ પોતાની પુત્રીનો દોહદ પૂર્ણ કર્યો. સમય વીતતાં સવા નવ માસે પુત્રરત્નનો જન્મ થયો. પિતાએ પ્રાતઃકાલીન સુર્ય સમાન તેજસ્વી અને દશે દિશાઓને પ્રકાશિત કરનાર બાળકનો જન્મ મહોત્સવ મનાવ્યો. પછી દોહદાનુસાર તેનું નામ "અભયકુમાર" રાખ્યું. તે સુકુમાર બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. સમય પસાર થવા પર તેને શાળાએ મોકલ્યો. પ્રારંભિક જ્ઞાનથી લઈને અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને ૭૨ કળાઓમાં તે પ્રવીણ થયો.
એક દિવસ અકસ્માત અભયકુમારે તેની માતાને પૂછ્યું– મા, મારા પિતાજી કોણ છે અને તે ક્યાં રહે છે? પુત્રના આ પ્રશ્નથી માતાએ તેના પિતા વિષેની સર્વ વાત કરી અને શ્રેણિકે લખેલ વિગતનો પત્ર પણ વંચાવ્યો. માતાની વાત સાંભળીને તેમજ પોતાના પિતાએ લખેલો પરિચય પત્ર વાંચીને તેણે જાણ્યું કે મારા પિતા રાજગૃહના રાજા છે. તે જાણીને અભયકુમારને અતિ પ્રસન્નતા થઈ. પછી તેણે પોતાની માતાને કહ્યું- માતાજી ! આપ આજ્ઞા આપો તો હું સાથીદારોને લઈને રાજગૃહ જાઉં? માતાએ કહ્યું- જો તું કહે તો હું પણ તારી સાથે આવું. અભયકુમારે હા પાડી તેથી માતા અને પુત્ર તેમજ સાથીદારો બધાં રાજગૃહ તરફ રવાનાં થયાં.
ચાલતાં ચાલતાં તેઓ રાજગૃહ નગરની બહાર પહોંચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું વાતાવરણ કેવું હશે ? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ દેખી. અભયકુમારે કોઈ એક વ્યક્તિને પૂછ્યું– બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો? તેણે કહ્યું પાણી વગરના આ સૂકા કૂવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા(વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે જે કોઈ માણસ કૂવામાં ઊતર્યા વગર અને કૂવાના કાંઠે જ ઊભા રહીને પોતાના હાથથી વીંટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર પારિતોષિક આપશે પરંતુ અહીં ઊભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી.
અભયકુમારે તે જ ક્ષણે કહ્યું– જો તમે મને અનુમતિ આપો તો હું વીંટી કાઢી આપું. આ વાત જાણીને રાજના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો અર્થાત્ હા પાડી. અભયકુમારે સર્વપ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટીને બરાબર જોઈ લીધી. ત્યારબાદ થોડેક દૂર રહેલા છાણને તે લઈ આવ્યો પછી કુવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાંખી દીધું. વીંટી છાણમાં ચોંટી ગઈ. બે ચાર કલાક પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છલોછલ ભરાઈ જવાથી પેલું સુકાઈ ગયેલું છાણ ઉપર આવતાં કૂવાના કાંઠે ઊભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઊભેલા લોકો આ યુવકની કળા જોઈને આશ્ચર્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછ્યું– બેટા! તું કોણ છો? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું હું આપનો