Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૧૩૮ |
શ્રી નદી સૂત્ર
પૂછયો કે તરત જ વૃદ્ધાના શિર પર રહેલો પાણીનો ઘડો નીચે પડી ગયો. ઘડો જમીન પર પડ્યો કે તરત જ ઘડાના ટુકડે ટુકડા થઈ ગયા અને પાણી માટીમાં મળી ગયું. એ જ વખતે અવિનીત શિષ્ય કહ્યું – બુઢિયા ! તારો પુત્ર ઘડાની જેમ મૃત્યુ પામ્યો છે. એ સાંભળીને વૃદ્ધાનો જીવ અદ્ધર ચડી ગયો. ત્યારે વિનીત શિષ્ય કહ્યું–માજી ! તમે ચિંતા ન કરો. તમારો પુત્ર ઘરે આવી ગયો છે, એ તમારી રાહ જુએ છે, માટે તમે શીધ્ર ઘરે જાઓ. વિનીત શિષ્યની વાત સાંભળીને માજીના શરીરમાં પ્રાણ આવ્યા. તે તરત જ ઘરે ગયા. ત્યાં તેનો દીકરો ખરેખર રાહ જોતો હતો. પુત્રે માતાના ચરણમાં નમસ્કાર કર્યા. માતા પુત્રને ભેટી પડી. પછી તેણીએ વિનીત શિષ્ય બતાવેલી વાત કરી. ત્યાર બાદ માતા પુત્રને લઈને વિનીત શિષ્યની પાસે ગઈ અને તેના ચરણમાં અમુક રૂપિયા તથા વસ્ત્રયુગલ ભેટ રૂપે અર્પણ કર્યા તેમજ શતશઃ આશીર્વાદ આપ્યા.
અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈની વાત સાચી પડી, તેથી ક્રોધિત થયો અને મનમાં વિચારવા લાગ્યો. આ બધું ગુરુજીના પક્ષપાતનું કારણ છે. ગુરુજીએ મને દિલ દઈને જ્ઞાન આપ્યું નથી. પછી જે કામ માટે ગુરુજીએ તેઓને મોકલ્યા હતા એ કામ પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝૂકી ગયો પરંતુ અવિનીત શિષ્ય પૂંઠાની જેમ ઊભો રહ્યો. એ જોઈને ગુરુદેવે તેના સામું જોઈને પૂછ્યું- તને શું થયું છે? અવિનીત શિષ્ય કહ્યું– આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો છે.
ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછયું– વત્સ ! શું વાત છે? કઈ ઘટનાથી તારા ગુરુભાઈના મનમાં આવો વિચાર આવ્યો છે ? વિનીત શિષ્ય માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું- એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ? શિષ્ય કહ્યું– ગુરુદેવ! આપના ચરણની કૃપાથી જ મેં વાત બતાવી હતી.
રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહીં પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલાં હતાં, ડાબી બાજુ ખાધેલાં ન હતાં, તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યક્તિ રાજકીય જ હોય શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યક્તિના પગના ચિહ્ન જોઈને મેં વિચાર્યું કે રાણી હશે તેમજ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઊભી થઈ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળી પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઈને મેં કહ્યું– તે રાણી ટૂંક સમયમાં જ પુત્રનો જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબુમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે રાણીબાએ પુત્રને જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આશીર્વાદથી મારી દરેક વાત સાચી પડી છે.