Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૮ ]
શ્રી નદી સૂત્ર
ધ્યાનમાં રાખીને રોહને હાથમાં એક માટીનું ઢેફ સાથે લીધું હતું.
રાજાની સેવામાં પહોંચીને રોહકે યોગ્ય રીતે વિનયપૂર્વક નમસ્કાર કર્યા. પછી માટીનું ઢેફ રાજાની સમક્ષ રાખી દીધું. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું– આ શું છે? રોહકે નમ્રભાવે ઉત્તર આપ્યો, દેવ! આપ પૃથ્વીપતિ છો એટલે હું આપના ચરણે ધરવા માટે પૃથ્વી લાવ્યો છું. પ્રથમ દર્શને જ એવા પ્રકારનું માંગલિક વચન સાંભળીને રાજા અતિ પ્રમુદિત થયા. રોહકની સાથે આવનાર ગ્રામીણ લોકો રોમાંચિત થઈ ગયા. રોહકે આજ્ઞાનું પાલન કર્યું તેથી રાજાએ ગ્રામીણ લોકોને મોકલી દીધા પણ રોહકને પોતાની પાસે રાખી લીધો. રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સૂવડાવ્યો.
રાત્રિના બીજા પહોરે રાજાએ રોહકને સંબોધન કરીને કહ્યું–રોહક! તું જાગે છે કે ઊંઘે છે? રોહકે જવાબ આપ્યો- જાણું મહારાજ. રાજાએ પૂછ્યું– જાગીને તું શું વિચારે છે? રોહકે કહ્યું– હું વિચારું છું કે બકરીના પેટમાં ગોળ ગોળ લીંડીઓ કેમ બનતી હશે? રોહકની આશ્ચર્યચકિત વાત સાંભળીને રાજા પણ વિચારમાં પડી ગયા પણ રાજાને ઉત્તર સૂઝયો નહીં. તેણે ફરી રોહકને પૂછયું- જો તું એ જવાબ જાણતો હો તો મને બતાવ.
રોહકે કહ્યું- દેવ! બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ વિશેષ હોય છે, તેથી તેની લીંડીઓ ગોળ ગોળ બનીને બહાર આવે છે. એમ કહીને થોડી વારમાં જ રોહક ઊંઘી ગયો. (૧ર) પત્ર :- રાત્રિના ત્રીજા પહોરે રાજાએ કહ્યું – રોહક ! જાગે છે કે ઊંઘે છે? રોહકે શીધ્ર જવાબ આપ્યો-જાગું સ્વામી ! રાજાએ ફરી કહ્યું– રોહક! તું શું વિચારે છે? રોહકે કહ્યું- હું એમ વિચારું છું કે પિપળાના પાંદડાની ડાંડલી મોટી હોય કે તેની શિખા?
આ વાત સાંભળીને રાજા સંશયમાં પડી ગયા. પછી તેણે રોહકને પૂછ્યું– બેટા તું આ વિષે શું જાણે છે? રોહકે કહ્યું– દેવ! જ્યાં લગી શિખાનો અગ્રભાગ સૂકાય ન જાય ત્યાં સુધી બન્ને તુલ્ય હોય છે. પછી રાજા ઊંઘી ગયા અને રોહક પણ ઊંઘી ગયો. રાજાએ કોઈ અનુભવીને પૂછ્યું- ત્યારે તેણે કહ્યું કે રોહકની વાત સાચી છે.
(૧૩) ખાડહિલા (ખિસકોલી) :- રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. તે સમયે અચાનક રાજાએ રોહકને પૂછ્યું- તું જાગે છે કે ઊંઘે છે? રોહકે કહ્યું – જાગું છું સ્વામી ! રાજાએ કહ્યું – તું શું વિચારે છે! રોહકે કહ્યું- હું વિચારું છું કે ખિસકોલીની પૂંછડી એના શરીરથી મોટી હશે કે નાની ?
રોહકની વાત સાંભળીને રાજા ખુદ વિચારમગ્ન બની ગયા. જ્યારે તે કોઈ નિર્ણય ન કરી શક્યા ત્યારે તેણે રોહકને પૂછ્યું- બેટા! તું આ વિષે શું જાણે છે? રોહકે કહ્યું–દેવ! ખિસકોલીનું શરીર અને પૂંછ બન્ને બરાબર હોય છે. એમ કહીને રોહક ફરી ઊંઘી ગયો. (૧૪) પંચપિયરો (પાંચ પિતા) - રાત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદયથી પહેલા જ્યારે મંગલ વાજિંત્રો વગાડવામાં આવ્યા ત્યારે રાજા જાગ્યા પરંતુ રોહક ગાઢ નિદ્રામાં સૂતો હતો. રાજાએ રોહકને અવાજ દીધો