Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
યણીય
૭૯ ]
જે યજ્ઞમાં વિષયવાસનાઓ તપાગ્નિમાં ભસ્મીભૂત થાય છે અને જીવનું બ્રહ્મસ્વરૂપ પ્રગટ થાય તે જ ભાવયજ્ઞ છે. ભાવયજ્ઞથી પ્રગટ થયેલી પવિત્રતા અખંડ અને નિત્ય રહે છે. જન્મથી સર્વ જીવો એક સમાન હોય છે. જીવનમાં કરેલા કૃત્યો અનુસાર તે બ્રાહ્મણ આદિ થાય છે. આ રીતે જયઘોષમુનિ દ્વારા ઉપદિષ્ટ વાસ્તવિકતાના દર્શનથી અને તેના તપ-ત્યાગ અને પવિત્રતા આદિ સગુણોથી વિજયઘોષ બ્રાહ્મણ આકર્ષિત થયા. તેમણે ભિક્ષા ગ્રહણ કરવા માટે જયઘોષમુનિને ભાવપૂર્વક વિનંતિ કરી. પરંતુ મુનિનું લક્ષ ભાઈને સત્યતત્ત્વ સમજાવીને સંસાર સાગરથી ઉગારવાનું હતું. તેથી પારણાની ઉપેક્ષા કરીને વિજયઘોષ સમક્ષ બ્રાહ્મણના વાસ્તવિક સ્વરૂપનુંવિશદવિશ્લેષણ કર્યું. તેનું તાદશ્ય ચિત્ર આ અધ્યયનમાં સંકલિત થયું છે. ખરેખર ! તે સત્ય તત્ત્વ માનવને જાતિ અને કુળના મિથ્યાભિમાનમાંથી મુક્ત કરવા માટે પ્રભાવશાળી છે. મુનિના સમ્બોધથી વિજયઘોષને બ્રાહ્મણનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ ગયું. વાસ્તવિક ધર્મ સ્વરૂપ સમજાઈ જતાં તે સંસારથી વિરક્ત થઈ પ્રવ્રજિત થઈ ગયા. શ્રમણ ધર્મની સમ્યક સાધના કરીને જયઘોષ અને વિજયઘોષ બંને સગા ભાઈઓ તે જ ભવે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.