Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ખલીય
[ ૧૨૫ ]
સત્યાવીસમું અધ્યયન પરિચય :
આ અધ્યયનમાં ખલેક-દુષ્ટ બળદની ઉપમાથી ઉદ્ધત, અવિનયી શિષ્યોનું વર્ણન છે તેથી તેનું નામ ખલુંકીય છે. જે સાધક દીક્ષા લઈને ખાવા અને પીવામાં મસ્ત બની પ્રમાદી જીવન જીવે છે, ગુરુથી વિપરીત વર્તન કરી પોતાના સ્વચ્છંદને પોષે છે. તેને જ્ઞાનીઓએ “ગળિયા બળદ સાથે સરખાવ્યા છે. તેવા શિષ્યો દુષ્ટ બળદની જેમ સંઘરૂપ શકટને અને તેના માલિક રૂપ સંઘાચાર્યને હાનિ પહોંચાડે છે.
ત્યારે આચાર્ય સ્વયં તે શિષ્યોને છોડીને એકાંત સાધનામાં જોડાઈ જાય છે. પ્રસ્તુત અધ્યયનમાં ગર્ગ નામના સ્થવિર મુનિની જીવન ઘટના દર્શાવી છે. તેઓ આચાર્યની સંપદાથી યુક્ત, સેંકડો શિષ્યોના ગુરુ હતા. કર્મયોગે બધા જ શિષ્યો ઉદ્ધત્ત અને સ્વચ્છંદી બની ગયા. તેઓએ શિષ્યોને સમાધિભાવમાં સ્થિર કરવા અથાગ પુરુષાર્થ કર્યો પરંતુ જ્યારે તેમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ અને શિષ્યોનું દુષ્ટ વર્તન સ્વયંની સાધનામાં બાધક લાગ્યું ત્યારે શિષ્યોનું મમત્વ છોડીને એકાકી થઈ સ્વાવલંબી બની સાધનામાં લીન બની ગયા. આ અધ્યયનમાં દુષ્ટ શિષ્યોની દુષ્ટ પ્રવૃત્તિઓનું વિસ્તૃત વર્ણન છે.