Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
સંસાર પરિભ્રમણના દુઃખો અને દુઃખના કારણો તથા તે કારણોથી દૂર રહેવાના ઉપાયોની વિચારણામાં એકાગ્ર બનવું. ૩. વિપાકવિચય- કર્મફળની વિચારણા. વર્તમાને અનુભવાતી અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પોતાના જ કરેલા કર્મોનું ફળ છે. આ રીતે કર્મફળના સિદ્ધાંતની વિચારણામાં એકાગ્ર બનવું. ૪. સંસ્થાન વિચય– લોક સંસ્થાનની વિચારણા. જીવના પરિભ્રમણના સ્થાનરૂપ ચૌદ રાજલોકના સંસ્થાન, નરક, સ્વર્ગ વગેરે સ્થાનોથી યુક્ત સંપૂર્ણલોક રચનાના વિચારમાં એકાગ્ર થવું.
૨૪૮
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા ધર્મ તત્ત્વોનું આત્માનુલક્ષી ચિંતન કરતાં આત્મામાં સંવેગ અને નિર્વેદ ભાવોની વૃદ્ધિ થાય છે.
ધર્મધ્યાન આત્મપરિણામ રૂપ છે તેથી તે અરૂપી ભાવ છે. તેમ છતાં તેના લક્ષણોથી તેને જાણી શકાય છે. તેના ચાર લક્ષણ આ પ્રમાણે છે– ૧. આશારુચિ– ગુરુ આદિની આજ્ઞાથી તેમજ શાસ્ત્રાજ્ઞાથી પ્રવચન પ્રત્યે શ્રદ્ધા, ૨. નિસર્ગ રુચિ— સ્વભાવતઃ ધર્મ તત્ત્વોમાં શ્રદ્ધા, ૩. સૂત્રરુચિ– શાસ્ત્રાધ્યયનમાં ઉત્પન્ન શ્રદ્ધા ૪. અવગાઢ રુચિ : ઉપદેશ રુચિ– વિસ્તૃતરૂપથી ધર્મ તત્ત્વોમાં અવગાહન કરવાથી ઉત્પન્ન થતી શ્રદ્ઘા અથવા સાધુની સમીપે રહેતાં તેમના સૂત્રાનુસારી ઉપદેશના માધ્યમે વીતરાગ પ્રભુના વચનોમાં શ્રદ્ધા. ચાર આલંબન :– વાચના, પૃચ્છના, પરાવર્તના—પુનરાવૃત્તિ કરવી અને ધર્મકથા કરવી અર્થાત્ ધર્મોપદેશ આપવો, આ ચારે ય ધર્મ ધ્યાનરૂપી પ્રાસાદ ઉપર ચઢવાના આલંબન છે.
ચાર અનુપ્રેક્ષાઓ :– (૧) એકત્વ અનુપ્રેક્ષા– આત્માની એકત્વ દશાનું ચિંતન (૨) અનિત્યત્વાનુપ્રેક્ષા– સંસારની ક્ષણભંગુરતાનું ચિંતન (૩) અશરણાનુપ્રેક્ષા- અશરણ દશાનું ચિંતન (૪) સંસારાનુપ્રેક્ષા— સંસાર સંબંધી ચિંતન. આ રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર, ચાર લક્ષણો અને ચાર આલંબનોને સમજી ચાર અનુપ્રેક્ષા દ્વારા સાધક ધર્મધ્યાનમાં સ્થિર થાય છે.
(૪) શુક્લધ્યાન– ધર્મધ્યાનની એકાગ્રતા અને શુદ્ધિની વૃદ્ધિ થતાં સાધક સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનની પરિણામ દશાને પાર કરી આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરતાં શુક્લ ધ્યાનને પામે છે અર્થાત્ ધર્મધ્યાનના પરિણામ વૃદ્ધિંગત થતાં શુક્લ ધ્યાનરૂપે પરિણત થાય છે.
અપ્રમત સંયત જીવો મોહનીય કર્મનું ઉપશમન અથવા ક્ષય કરવા ઉદ્યત થાય અને પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળો બને, ત્યારે તે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. શુક્લ ધ્યાનનું સ્વરૂપ તેના ચાર ભેદોના(ચાર પાયાના) માધ્યમે સમજવું જોઈએ.
(૧) પૃથ વિતર્ક સવિચાર શુક્લધ્યાન :– વિતર્ક = ભાવશ્રુતના આધારે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર = અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન.
ધ્યાનસ્થ સાધુ કોઈ એક દ્રવ્યનું ચિંતન કરતાં-કરતાં કોઈ એક ગુણનું ચિંતન કરે અને તે ચિંતન કરતાં કરતાં જ તેની કોઈ એક પર્યાયનું ચિંતન કરવા લાગે; આ રીતે એક દ્રવ્યના પૃથક્ પૃથક્ ચિંતનને 'પૃથવિતર્ક' કહે છે. તે સાધક શબ્દથી અર્થમાં અને અર્થથી શબ્દના ચિંતનમાં સંક્રમણ કરે અને મનોયોગથી વચનયોગનું, વચનયોગથી કાયયોગનું આલંબન લે છે, તેથી તે ધ્યાન 'સવિચાર' કહેવાય છે. આ રીતે વિતર્ક અને વિચારના પરિવર્તન અને સંક્રમણની વિભિન્નતાના કારણે આ ધ્યાનને પૃથક્ક્સ વિતર્ક સવિચાર કહે છે. આ પ્રકારનું ધ્યાન આઠમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી રહે છે. ઉપશમ શ્રેણી