Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રોફેસર વિન્ટરનીટ્સનું એવું મંતવ્ય છે કે આ આગમો ઉપર અનેક ટીકાઓ છે, તેનામાંથી મૂળગ્રંથોને અલગ પાડવા માટે આ સૂત્રોને 'મૂળસૂત્રો' કહેલાં છે, પરંતુ તેમનું આ કથન તર્કસંગત નથી, કારણ કે તેમણે પિંડનિયુક્તિને મૂળસૂત્રમાં ગણેલ છે, પરંતુ તેની અનેક ટીકાઓ નથી.
ડૉ. સારપેન્ટિયર, ડૉ.ગ્યારનો અને પ્રોફેસર પટવર્ધન આદિ અનેક વિદ્વાનોનો એવો મત છે કે, આ આગમોમાં ભગવાન મહાવીરના મૂળ શબ્દોનો સંગ્રહ છે, તેથી તેમને મૂળસૂત્ર કહ્યા છે. પરંતુ તેમનું આ કથન પણ યુક્તિ સંગત પ્રતીત થતું નથી. કેમ કે ભગવાન મહાવીરના મૂળ શબ્દોને કારણે જ કોઈ આગમને મૂળસૂત્ર રૂપે માનવામાં આવે તો સર્વ પ્રથમ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને 'મૂળસૂત્ર' માનવું જોઈએ, કેમ કે પાશ્ચાત્યવિચારક ડૉ. હર્મન જૈકોબીનાં કથન અનુસાર ભગવાન મહાવીરના મૂળ શબ્દોનું સૌથી પ્રાચીન સંકલન આચારાંગ સૂત્રમાં છે.
કેટલાક આચાર્યોના મતે આગમોમાં મુખ્યરૂપથી શ્રમણના આચાર સંબંધી મૂળગુણ, મહાવ્રત સમિતિ ગુપ્તિ વગેરેનું નિરૂપણ છે અને જે શ્રમણ જીવનચર્યામાં મૂળ રૂપે સહાયક બને છે અને જે આગમોનું અધ્યયન શ્રમણો માટે સર્વપ્રથમ અપેક્ષિત છે. તેમને મૂળસૂત્ર કહેવામાં આવ્યાં છે. આ કથનનું સમર્થન વ્યવહાર સૂત્રના ભાષ્યમાં
મળે છે.
પૂર્વકાળમાં આગમોનું અધ્યયન આચારાંગથી પ્રારંભ થતું હતું, જ્યારે આચાર્ય શષ્યભવે દશવૈકાલિક સૂત્રની રચના કરી ત્યારથી સર્વપ્રથમ દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું અને ત્યાર પછી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે સૂત્રો શીખવવાનો ક્રમ પ્રારંભ થયો.
પહેલાં આચારાંગના 'શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનથી શૈક્ષ(નવદીક્ષિત શિષ્ય)ની ઉપસ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ દશવૈકાલિકની રચના થયા પછી તેના ચોથા અધ્યયનથી ઉપસ્થાપના (છેદોપસ્થાપનીય ચારિત્ર) કરાવવાની શરૂઆત થઈ.
મૂળસૂત્રોની સંખ્યાના સંબંધમાં પણ મતભેદ પ્રવર્તે છે. સમય સુંદરગણીએ
39