Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન૧૪: ઈષકારીય
.
| ૨૫૯ |
અહીં પુરોહિતપત્ની યશાએ બે સુંદર પુત્રોને જન્મ આપ્યો. તેઓ થોડા મોટા થયા. રખેને દીક્ષા લઈ લે, એ વિચારે માતાપિતા એ બંને બાળ માનસવાળા પુત્રોને કહ્યું તમે "સાધુ પાસે જતાં નહી !" એમ કહી સાધુઓ પ્રત્યે. ઘણા અને ભયની ભાવના ઉત્પન્ન કરતાં હતાં. તેઓ એમ પણ સમજાવતાં હતાં કે બેટા ! સાધુઓ નાનાં નાનાં બાળકોને ઉપાડી જાય છે. પછી તેને સાધુ બનાવી દે છે. ત્યાં તેને ઘણાં કષ્ટો આપે છે, તેથી તમારે આવા સાધુઓ સાથે વાત પણ ન કરવી.
માતાપિતાની આ શિખામણને કારણે બાળકો સાધુઓથી ડરતાં હતાં અને તેમની પાસે પણ જતાં ન હતા.
એકવાર રમતાં રમતાં બંને બાળકો ગામની બહાર નીકળી ગયાં અને દૂરની કોઈ જગ્યાએ રમી રહ્યાં હતાં ત્યાં અચાનક એ રસ્તેથી કોઈ સાધુ નીકળ્યા. સાધુને જોઈને તે બંને ગભરાઈ ગયાં. હવે શું કરવું? બચવાનો કોઈ માર્ગ ન હતો. તેથી પાસેના ઘટાદાર વૃક્ષ પર બંને બાળકો ચઢી ગયાં. છૂપાઈને જોતાં રહ્યા કે સાધુ શું કરે છે? સંયોગવશાત્ સાધુ પણ એ જ વૃક્ષ નીચે આવ્યા. સાધુઓએ ઝાડની નીચે આવીને પ્રતિલેખન કર્યું રજોહરણથી જીવજંતુઓને એક તરફ સુરક્ષિત કર્યા અને બહુ વિવેકપૂર્વક ઝાડની છાયામાં બેસીને ભોજન કરવા લાગ્યા. બાળકોએ જોયું કે તેના પાત્રમાં ડરવા જેવી કોઈ વસ્તુ નથી, સાદું સાત્વિક ભોજન છે, સાથે તેમનો દયાશીલ વ્યવહાર જોયો અને તેમની અનુકંપાભરી વાતો સાંભળી, તેથી તેઓનો ભય દૂર થયો. "આ સાધુઓને પહેલાં કયાંક જોયા છે, તે સર્વથા અપરિચિત નથી." આમ અચેતન મન પર પૂર્વ સ્મૃતિઓ આકાર લેવા લાગી, વિચારણા કરતાં કરતાં થોડી જ પળોમાં તેમને પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું. જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું. પૂર્વ જન્મમાં આચરણ કરેલાં તપ સંયમરૂપ ધર્મને જાણ્યો. અંતરમન પ્રસન્ન થઈ ગયું. તેઓ ઝાડની નીચે ઊતરીને સાધુઓ પાસે આવી શ્રદ્ધાપૂર્વક વંદના કરી. સાધુઓએ તેમને સંસારની અસારતાનો ઉપદેશ આપ્યો. બંને બાળકોએ સંસારથી વિરક્ત બની સંયમ લેવાનો નિર્ણય કર્યો, ત્યાંથી માતા પિતા પાસે આવી પોતે કરેલા નિર્ણયથી વાકેફ કર્યા. ભૃગુપુરોહિતે તેમને બ્રાહ્મણ પરંપરા અનુસાર ઘણા સમજાવ્યા. તેઓ સાધુ ન બની જાય, તે માટે રોકવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બધું વ્યર્થ ગયું. તેના ઉપર કોઈ બીજો રંગ ન ચડી શકયો. બંને પુત્રોની તર્કયુક્ત વાણીથી ભૃગુપુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, ત્યાર પછીની કથા મૂળપાઠમાં કહેવાયેલી છે.
ooo