Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૮કપિલીય
૧૩૯
આઠમું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત અધ્યયનનું નામ 'કપિલીય' છે. આ અધ્યયનના અંતમાં કપિલ બ્રાહ્મણનું દષ્ટાંત હોવાથી આ અધ્યયનનું નામ 'કાપિલીય' છે.
આ અધ્યયનમાં સંસારના સંબંધો પ્રત્યે આસક્તિત્યાગ; ગ્રંથ, કલહ, કામભોગ, જીવહિંસા, રસ લોલુપતાનો ત્યાગ; લક્ષણશાસ્ત્ર કે નિમિત્ત આદિના પ્રયોગનો નિષેધ, લોભવૃત્તિ અને સ્ત્રી પ્રત્યે આસક્તિનો ત્યાગ; એષણાથી શુદ્ધ આહારનું સેવન અને સંસારની અસારતા વગેરે વિષયોનો વિશદ ઉપદેશ આપવામાં આવ્યો છે.
લોભવૃત્તિના વિષયમાં કપિલમુનિના જીવનને સંક્ષેપમાં અંક્તિ કર્યું છે, તે કથા આ પ્રમાણે છે –
અનેક વિધાઓનો પારગામી, કાશ્યપ બ્રાહ્મણ કૌશાંબી નગરીના રાજા પ્રસેનજિતના સમ્માનિત રાજ પુરોહિત હતા. અચાનક કાશ્યપનું મરણ થઈ ગયું. તેનો પુત્ર કપિલ તે સમયે બાળવયમાં હતો. નાની વય તથા અભ્યાસ રહિત હોવાથી રાજાએ રાજપુરોહિતના સ્થાને બીજા પંડિતને સ્થાપિત કર્યા. કપિલે એક વખત વિધવા માતા યશાને રોતી જોઈને રડવાનું કારણ પૂછ્યું, તેણીએ કહ્યું– પુત્ર ! એક સમય હતો કે જ્યારે તારા પિતા પણ આવા જ ઠાઠમાઠથી રાજસભામાં જતા હતા. તેઓ અનેક વિધાઓમાં પારંગત હતા. રાજા પણ તેનાથી પ્રભાવિત હતા. તેના મૃત્યુ પછી તું વિદ્વાન ન હોવાથી તે પદ બીજાને સોંપી દીધું છે.
કપિલે કહ્યું – મા! પણ વિદ્યા ભણીશ હું કયા અધ્યાપક પાસે જાઉં કે જેથી હું વિદ્વાન બની શકું? મા એ કહ્યું – અહીં તને કોઈ ભણાવશે નહીં, કારણ કે તે સર્વ ઈર્ષાળુ છે. તેઓ તેમાં આપત્તિ ઊભી કરશે, માટે જો તારે ભણવું જ હોય, તો શ્રાવસ્તી નગરીમાં તારા પિતાના પરમ મિત્ર ઈન્દ્રદત્ત ઉપાધ્યાય પાસે જા. તે પરમ વિદ્વાન છે, તે તને ભણાવશે.
માતાના આશીર્વાદ લઈને કપિલ શ્રાવસ્તી પહોંચી ગયો. ત્યાં પહોંચીને તે પોતાના મિત્ર ઈન્દ્રદત્ત ઉપાધ્યાય પાસે ગયો અને સાદર પ્રણામ કરી પોતાનું નામ તથા ગોત્ર બતાવીને વિનંતી કરી કે હે આર્ય! મને ભણાવો, હું આપની પાસે વિદ્યા ગ્રહણ કરવા આવ્યો છું. કપિલની વિનંતીથી પ્રભાવિત બનીને ઉપાધ્યાયે તેના ભોજનની વ્યવસ્થા ત્યાંના વણિક શાલિભદ્રને ત્યાં કરાવી દીધી.વિદ્યાધ્યયન માટે તે ઈન્દ્રદત્ત ઉપાધ્યાય