________________
મહારાજ સાહેબ,
એક વિચિત્ર અનુભવ હમણાં એવો થઈ રહ્યો છે કે લોકો હાલતા ને ચાલતા મને સલાહ આપતા રહે છે, હિતશિક્ષા આપતા રહે છે, સૂચનો કરતા રહે છે. અને એમાંય કમાલની કરુણતા તો એ સર્જાઈ રહી છે કે જેઓનો મારા પર કોઈ ઉપકાર પણ નથી અને અધિકાર પણ નથી તેઓ પણ મને જાતજાતની સલાહો આપવા લાગ્યા છે.
અલબત્ત, હું કબૂલ કરું છું કે મારા જીવનમાં ઘણી બધી કમજોરીઓ છે. કેટલાંક વ્યસનોનો પ્રવેશ પણ મારા જીવનમાં થઈ ચૂક્યો છે પણ એનો અર્થ એવો તો નથી ને કે સહુએ મારા જીવનમાં હસ્તક્ષેપ કરતા જ રહેવું !
આપ નહીં માનો પણ આવી અનધિકાર ચેષ્ટાઓ કરનારાઓ સામે મેં એક નવું શસ્ત્ર અજમાવાનું શરૂ કરી દીધું છે. મને જેઓ પણ સલાહ આપે છે એમને હું સંભળાવી દઉં છું. ‘તમે તમારું સંભાળો. મારા જીવનમાં માથું મારવાની તમારે જરૂર પણ નથી અને તમને કોઈએ એની સત્તા પણ આપી નથી.’ પરિણામ આનું એ આવી રહ્યું છે કે મને સલાહ આપનારાઓની સંખ્યા હવે રોજેરોજ ઘટી રહી છે. જાણવું તો મારે એ છે કે મારી આ સંભળાવી દેવાની ચેષ્ટાબરાબર તો છે ને?