________________
અહંકાર એમ માનતો હોય છે કે ‘ના’ પાડતા રહેવાથી આપણો વટ પડતો રહે છે, આપણી નોંધ લેવાય છે, આપણી સાથે વાટાઘાટ કરવાની સામાને ફરજ પડે છે.
તું સાચે જ આ આદતથી અનુભવી રહેલ નુકસાનીમાંથી જો ઊગરી જવા માગે છે તો મારી તને એક જ સલાહ છે, જો વાત કરનારા તારા ઉપકારી છે કે હિતસ્વી છે અને વાત જો તારા સુખ માટેની છે કે હિત માટેની છે તો એ વાતનો જવાબ આપવા તું મન સાથે નહીં પણ અંતઃકરણ સાથે વિચાર-વિમર્શ કરતો જા.
કારણ? મનને જો ‘ના’ પાડતા રહેવાની કુટેવ છે તો અંતઃકરણને ‘હા’ પાડી દેવાની આદત છે. સાચું કહું તો સમસ્યાનાં તાળાને ખોલવાની ચાવી જ તું ગલત લગાવીને બેઠો છે. મન નહીં પણ અંતઃકરણ. લગાડી જો એ ચાવી. કોઈ સમસ્યા ઊભી નહીં રહે.