________________
કોકનાવિચારોમાં રહેવું એ સુંદર જગા ભલે ગણાતી હશે; પરંતુ એ જગા સલામત તો નથી જ. પુષ્પને રહેવા માટે ફૂલદાની સુંદર જગા જરૂર છે; પરંતુ પુષ્પ માટે એ સલામત જગા નથી એ તો તું ય જાણે જ છે ને?
મારે તને એટલું જ કહેવું છે કે તું સુંદર જગામાં ભલે રહેતો થઈ ગયો છે, સલામત જગામાં રહેતો થઈ જા તો હું માનું કે તું મર્દનો બચ્યો છે. અને સલામત જગા કઈ છે એ તારે જાણવું છે? વિચારોનું ઉદ્ગમસ્થાન મન એ કદાચ સુંદર જગા છે પણ લાગણીઓનું ઉદ્ગમસ્થાન અંતઃકરણ એ સુંદર જગા પણ છે અને સલામત જગા પણ છે.
સત્ત્વ અને સંપત્તિનાં પરાક્રમો કરવા દ્વારા લોકોનાં મનમાં તું રહેતો થઈ ગયો છે એ તો જાણ્યું. હવે સદ્ગુણો અને સત્કાર્યોનાં પરાક્રમો કરવા દ્વારા તે લોકોનાં અંતઃકરણમાં રમતો થઈ જા. તારું જીવન સાર્થક બની જશે.