________________ તો બચવાની સંભાવના છે... ‘સંઘર્ષ' આ શબ્દ કાને પડતાં જ આપણી આંખ સામે યુદ્ધનું, હિંસાનું, આક્રોશનું કે બોલાચાલીનું કોક દશ્ય આવી જાય અને આપણે મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગીએ કે “હે પ્રભુ ! વહેલી તકે આ સંઘર્ષ પર પૂર્ણવિરામ મુકાઈ જાય એવું કાંક આપ કરો’ પણ એક મસ્ત સંઘર્ષ છે મન અને અંતઃકરણ વચ્ચેનો, પ્રેમ અને શ્રેય વચ્ચેનો, પતન અને ઉત્થાન વચ્ચેનો, સુખ અને હિત વચ્ચેનો. એ આપણી અંદર જ ઉત્પન્ન થાય છે અને જ્યાં સુધી એ સંઘર્ષ ચાલુ રહે છે ત્યાં સુધી આપણાં વિકાસની, ઉત્થાનની અને હિતની તમામ સંભાવનાઓ ખુલ્લી રહે છે. હા, આ સંઘર્ષમાં અંતઃકરણ જો વિજેતા બને છે તો આત્મા ન્યાલ થઈ જાય છે, પણ મન જો વિજેતા બને છે તો આત્મા બેહાલ થઈ જાય છે. પ્રશ્ન એ છે કે જ્યાં પણ શુભની તક આવે છે કે અશુભનું પ્રલોભન આવે છે ત્યાં આપણાં મન અને અંતઃકરણ વચ્ચે કોઈ સંઘર્ષ થાય છે ખરો કે નહીં ? જો સંઘર્ષ થતો હોય તો આપણાં આત્મહિતને અકબંધ રાખવામાં આપણને સફળતા મળે એવી પૂરી સંભાવના છે. પણ સંઘર્ષ જો થતો જ નથી અને મનની શરણાગતિ આપણે સ્વીકારી લઈએ છીએ તો આપણાં આત્મહિત પર પૂર્ણવિરામ જ મુકાઈ જાય છે. અહીં મન અને અંતઃકરણની અલગ અલગ પ૦ વિશેષતાઓ પર મારા મંદ ક્ષયોપશમાનુસાર મેં પ્રકાશ પાથર્યો છે. એક જ ઇચ્છા છે. સહુ પોતાનાં મનને અંતઃકરણની આજ્ઞામાં ગોઠવી દઈને પ્રાપ્ત માનવજીવનને સાર્થક કરીને જ રહે. પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થઈ ગયું હોય તો હું એનું ત્રિવિધે ત્રિવિધ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડું માગું છું. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ