________________
મહારાજ સાહેબ,
આવતી કાલનો વિચાર કરું છું અને મન થથરી જાય છે. એક બાજુ મોઘવારી માઝા મૂકી રહી છે, બીજી બાજુ જરૂરિયાતો વધી ગઈ છે તો ત્રીજી બાજુ આવક વધવાનું નામ નથી લેતી.
જિંદગી જો આમ જ ચાલી તો આવતીકાલ આવશે કેવી? આચિંતામાં નેચિંતામાં મારી રાતની ઊંઘ ઊડી જાય છે. ભૂખ લગભગ મરી પરવારી છે અને શાંતિના નામનું તો ક્યારનું ય નાહી નાખ્યું છે.
આપ સાધુ બની ગયા છો એટલે આપ ભલે ચોવીસેય કલાક નિશ્ચિંત રહી શકતા હશો; પરંતુ અમ સંસારીઓની હાલત તો એવી કફોડી છે કે ક્યારેક તો આપઘાત કરી દઈને જીવન ટૂંકાવી દેવાના વિચારો આવી જાય છે. આપ આ અંગે કંઈક માર્ગદર્શન આપી શકશો?
કાશ્યપ,
એક વાત તો હું તને ખાસ યાદ કરાવવા માગું છું કે ચિંતા આવતી કાલનાં દુઃખોને ઓછી તો નથી કરતી; પરંતુ આજની શક્તિને, શાંતિને અને મસ્તીને પણ ખતમ કરી નાખે છે. હું તને જ પૂછું છું. આવો ખોટનો સોદો કરવાની કોઈ જરૂર ખરી?