________________
તેં પોતે પત્રમાં મને જે-જે વ્યક્તિઓ પર બંધનો ઠોકી બેસાડવાની વાત લખી છે એ પરથી તો મને એમ લાગે છે કે વ્યક્તિઓની ભૂલ હોય કે ન હોય, તું એ સહુના સ્વતંત્રતાના દરવાજા પર તાળું લગાવી દેવાના ખ્યાલમાં રાચી રહ્યો છે.
હું તને યાદ કરાવવા માગું છું કે સ્વચ્છંદતાના દરવાજા પર તાળું લગાડી દેવાની વાત તો શોભાસ્પદ બને છે; પરંતુ સ્વતંત્રતાના દરવાજા પર તાળું લગાવી દેવાની વાત તો હાસ્યાસ્પદ બને છે, પણ મને એમ લાગે છે કે તારા મન પર માલિકીભાવનો નશો છવાઈ ગયો છે અને એ હિસાબે જ તું બધાયની સ્વતંત્રતા પર તાળાંઓ લગાવી દેવાનો બકવાસ કરવા લાગ્યો છે.
ભલતો નહીં આ વાત કે જેઓએ ‘તાળાં' બની જઈને અન્યોનાં જીવનોને વિકસવા નથી દીધાં કે કચડી નાખ્યાં છે તેઓનાં નામ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયા છે, જેઓએ ‘ચાવી’ બની જઈને અન્યોનાં જીવનોને વિકસવાનાં મેદાનો આપી દીધા છે તેઓનાં નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયા છે.
એટલું જ કહીશ કે “તાળું બની જવા ઉત્સુક મનને વજન આપવાને બદલે “ચાવી’ બની જવા તૈયાર અંતઃકરણને તું કામે લગાડી દે. ફાવી જઈશ.