________________
નમઃ સ્યાદ્વાદવાદાને જૈન જગતના ચારે ફિરકાઓને માન્ય શાસ્ત્ર “શ્રી તવાર્થ સૂત્ર' જયાં ગાગરમાં સાગર ઠલવાયો છે, એવા આ સૂત્રની ટીકા અતિ ગંભીર હોય તે સહજ છે. તેમાં પણ પ્રખર આગમવાદી મહાવિદ્વાન એવા શ્રી સિદ્ધસેનગણિ દ્વારા રચિત ગંધહસ્તિ ટીકા હોય, પછી તો પૂછવું જ શું ? આ ટીકા જૈન ન્યાયનો શિરમોર ગ્રંથ ગણાય છે. પ્રાચીન ન્યાય શૈલી, વિષય ગાંભીર્ય, જટિલ પદાર્થો, શબ્દ સંક્ષેપ વગેરેને કારણે આ ટીકા દુર્ગમ બની છે.
પંન્યાસ પ્રવર શ્રી ઉદયપ્રભવિજયજી ગણિવર્યે આ ટીકાના રહસ્યોને પ્રગટ કરવાનું ભગીરથ અને અતિ વિકટ પરિશ્રમસાધ્ય કાર્ય હાથમાં લીધું. પોતાના ગુરુદેવશ્રી પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરતા તેમણે એ રહસ્યોદ્દઘાટન કરતી ગુર્જર અનુવાદનું નામ હેમગિરા' રાખ્યું છે. પ્રથમ ભાગનું પ્રકાશન થયું, જાણે મોટા ભાગનું કાર્ય સંપન્ન થયું. કારણ કે તત્ત્વાર્થ સૂત્રનો પહેલો અધ્યાય જ મહાસાગર જેવો છે, એ વિગતમાં સુવિદિત છે. પૂ. પંન્યાસજીએ તેમાં જાણે બે હાથોથી મહાસાગર તરવા જેવો પરિશ્રમ કર્યો છે.
પણ શેષ અધ્યાયો પણ કાંઈ કમ નથી. રહસ્યોદ્ઘાટનની તેમની આ યાત્રા આગળ વધતી રહી. આજે બીજા ભાગનું પ્રકાશન થઈ રહ્યું છે. પૂ. પંન્યાસજીનો પરિશ્રમ તો તેઓ સ્વયં જ જાણતા હશે. દુર્ગમ પંક્તિઓ, તેમાં પણ કેટલાંય સ્થળે અશુદ્ધિઓ, શબ્દસંક્ષેપ વગેરે વિકટતાઓમાં ધીરજ ખૂટી ન જાય તો જ નવાઈ. તો પણ અથાગ પરિશ્રમ સાથે અનેક હસ્તપ્રતો-તાડપત્રીઓમાંથી સંશોધન કરવા પૂર્વક તેમણે આ કાર્યને ન્યાય આપવામાં કોઈ કસર છોડી નથી.
પોતાનાથી શક્ય સર્વ પ્રયત્નો કર્યા પછી પણ જે પંક્તિઓના ખંભાતી તાળા ન જ ખુલ્યા, તેની ચાવીઓની તેમણે મારી પાસે માંગણી કરી. હા, આ મારું સૌભાગ્ય જરૂર હતું, પણ આ કાર્ય અત્યંત કઠિન હતું. આમ છતાં જિનશાસનના એક મહાન સર્જન પર થઈ રહેલા એક અતિ ઉપયોગી કાર્યમાં યોગદાન આપવાની ભાવના સાથે યથાશક્તિ પ્રયત્નનો પ્રારંભ કર્યો. કાર્ય જેટલું જટિલ હતું, એટલો જ તે કાર્ય કરવાનો આનંદ પણ આવ્યો છે. સંગતિ, સમન્વય અને સમાધાનમયી દૃષ્ટિ સાથે તે દુર્ગમ અંશોનું પરિશીલન કરવા પૂર્વક મારી મતિ અનુસાર મેં યોગદાન આપવા પ્રયત્ન કર્યો છે. આમ છતાં છદ્મસ્થસુલભ ક્ષતિઓ, મતિમાંદ્ય, અનાભોગ વગેરેને કારણે અન્યથા પ્રરૂપણા થઈ હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્ માંગું છું.
સંઘ- શાસનના અનેક કાર્યો, વિહારો, શિબિરો, પ્રભાવક ચાતુર્માસો આદિ સાથે અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ પૂ. પંન્યાસજી આવા અદ્દભુત સર્જન કરી રહ્યા છે. તેની ખૂબ-ખૂબ અનુમોદના સહ ફરી ફરી આવા સર્જનો પ્રાપ્ત થતાં રહે એવી શુભાભિલાષા સાથે વિરમું છું. માગસર સુદ - ૧૧
પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ વીર સંવત્ ૨૫૪૨
શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી શિષ્ય વિ. સંવત્ ૨૦૭૨
આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ
માંગ છે.