Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
xiii
રચેલા લક્ષણશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વૈઘક શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર, શકુન શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, જયોતિષ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર વિગેરે કેટકેટલાય વિષયોના ગ્રંથો જોવામાં આવ્યા. તે પૈકી ‘લક્ષણ શાસ્ત્ર’ નામના ગ્રંથને ઉદ્દેશીને સિદ્ધરાજે પૂછ્યું “આ શું છે ?’’ ત્યારે કલિકાલસર્વજ્ઞશ્રીએ કહ્યું કે ‘“આ તો વિદ્વાન ભોજરાજે રચેલ ભોજવ્યાકરણછે.’’ આ સાંભળતા જ સિદ્ધરાજને આ વાત દાઢે ભરાયેલાં અન્નની જેમ ખટકી. કેમ કે તેમની પાસે અપાર સામ્રાજય, વિશાળ સૈન્યબળ, લખલૂટ સંપત્તિ, સુખી પ્રજા વિગેરે બધાં જ કીર્તિકર પરિબળો હતા, પરંતુ તેમની સભામાં ગુજરાતને તેમજ પોતાને ગૌરવ અપાવે એવા વિદ્વાનોની અને ભંડારોમાં વ્યાકરણ આદિ ગ્રંથોની ગેરહાજરી વર્તતી હતી. સિદ્ધરાજે કહ્યું ‘“શું આપણા ભંડારોમાં આવા કોઇ શાસ્ત્રો નથી ? અને શું આખા’ય ગુજરાતમાં એવો કોઇ વિદ્વાન ન મળે કે જે આવા વ્યાકરણાદિ શાસ્ત્રોની રચના કરી શકે ?’' વાત સાંભળી આખી સભામાં ખળભળાટ મચ્યો અને સભાસીન સઘળાય વિદ્વાનો એકબીજાનું મોઢું તાકી રહ્યા. છેલ્લે સૌ કોઇની દષ્ટિ કલિકાલસર્વજ્ઞશ્રી ઉપર ઠરી અને સિદ્ધરાજે ભક્તિ પૂર્વક તેમને કહ્યું ‘“પ્રભુ ! હાલ આખા ગુજરાતમાં કાલાપ = કાતંત્ર વ્યાકરણ ભણાવવામાં આવે છે. પરંતુ તે અતિસંક્ષિપ્ત હોવાથી તેના દ્વારા સંસ્કૃત ભાષાનો પરિપૂર્ણ બોધ થઇ શકતો નથી. વળી પાણિનિનું વ્યાકરણ છે. પરંતુ બ્રાહ્મણો તેને વેદના અંગ રૂપે માનતા હોવાથી તેઓ ગર્વથી બીજાને પાણિનિ વ્યાકરણના અધ્યાપન માટે અયોગ્ય ગણે છે. માટે હે મુનીશ્વર ! આપ વિશ્વજનોના ઉપકારને માટે એક અભિનવ વ્યાકરણની રચના કરી મારા મનોરથને પૂર્ણ કરો. જેથી મારો યશ વધે અને આપને ખ્યાતિ તથા પુણ્યની પ્રાપ્તિ થાય.’’ સિદ્ધરાજની વિનંતી સાંભળી કલિકાલસર્વજ્ઞશ્રીએ તે સ્વીકારી અને તેમણે કાશ્મિર સ્થિત ભારતી દેવીના ભંડારમાંથી વ્યાકરણના આઠ પુસ્તકો વિગેરે સામગ્રી મેળવવા કહ્યું. તે કાળમાં કાશ્મિર વિદ્વાન પંડિતોથી પરિવરેલો દેશ હોવાથી ‘શારદા દેશ’ કહેવાતો હતો. સિદ્ધરાજે આવશ્યક સઘળી સામગ્રી આચાર્ય ભગવંતના કહ્યા પ્રમાણે મેળવી આપી. બસ, પછી તો આઠે વ્યાકરણનું અવલોકન કરી સરસ્વતીલબ્ધપ્રસાદ કલિકાલસર્વજ્ઞશ્રીએ માત્ર એક વર્ષની ટૂંકી સમયમર્યાદામાં સવાલાખ (૧,૨૫,000) શ્લોક પ્રમાણ અષ્ટાધ્યાયી વ્યાકરણની રચના કરી. આ વ્યાકરણ સૂત્રપાઠ, સવૃત્તિ ગણપાઠ, ઊણાદિગણ વિવરણ, ધાતુપાઠ અને લિંગાનુશાસન આ પાંચ અંગોવાળું હોવાથી પંચાંગ પરિપૂર્ણ હતું અને તેની પાછળ સિદ્ધરાજની પ્રેરણા હોવાથી અને આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની તે રચના હોવાથી તેનું નામ ‘શ્રીસિદ્ધ-હેમચંદ્રશબ્દાનુશાસનમ્' રાખવામાં આવ્યું. આ રીતે શ્રી સિદ્ધહેમ વ્યાકરણની ઉત્પત્તિ થઇ.
ઉપરોક્ત ઘટના સાંભળતા પ્રશ્ન થાય કે કલિકાલસર્વજ્ઞશ્રીના કાળમાં પાણિનિ, ચાંદ્ર, ભોજ, શાકટાયન, કાતંત્ર, કંઠાભરણ વિગેરે અનેક વ્યાકરણો વિદ્યમાન હતા, તો સિદ્ધરાજે વિનંતી કરવા છતાં તેમણે સિદ્ધહેમ