________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૨૭
– સહજ તથાભવ્યત્વાદિ ભાવથી પરોપકાર, ગાંભીર્ય આદિ સદ્ગુણોમાં અન્ય પુરુષો કરતાં શ્રેષ્ઠ તે પુરુષોત્તમ કહેવાય.
- પુરુષોની મધ્યે તે-તે અતિશય રૂપ-આદિ તથા ઉર્ધ્વવર્તિપણાને લીધે અરિહંતો પુરુષોત્તમ કહેવાય છે.
૦ મત નિરસન :- બોદ્ધો માને છે કે, “જગતમાં કોઈ જીવ અયોગ્ય નથી' સર્વ જીવો એક જ પ્રકારના છે. તેમના આ મતનું નિરાકરણ કરવા માટે અરિહંતોનું વિશેષણ મૂક્યું – “પુરિસુત્તમા '
૦ ‘લલિત વિસ્તરો' ગ્રંથમાં જણાવે છે કે, શ્રી જિનેશ્વર પરમાત્માનો આત્મા અનાદિકાળથી આ સંસારમાં દશ વિશેષતાથી યુક્ત હોય છે–
(૧) પરાર્થવ્યસનિનઃ – પરોપકાર કરવાના વ્યસનવાળા. અરિહંતનો આત્મા તે-તે ભવમાં સામગ્રીના અભાવે ક્રિયારૂપે ભલે પરોપકારી ન દેખાય, પરંતુ ગુણરૂપે, સ્વરૂપ યોગ્યતારૂપે પરોપકાર-વ્યસન મુક્ત જ હોય છે. તેથી તેવો ભવ, વિચારક મન, પરોપકારના સંયોગ ઇત્યાદિ સામગ્રી મળતાં મુખ્યપણે પરોપકાર કરવામાં રસિક હોય છે.
૦ લઘુ દૃષ્ટાંત - ભગવંત શાંતિનાથ પૂર્વભવે જ્યારે મેઘરથ રાજા હતા. તેઓ એક વખત પૌષધ ધારણ કરીને રહેલા હતા. તે વખતે ભયથી વ્યાકુળ એક કબુતર તેમના ખોળામાં આવીને પડ્યું. તેણે મનુષ્યની ભાષામાં રાજાનું શરણું માંગ્યું. રાજાએ કહ્યું કે, તું ભયભીત ન થઈશ. મારા ખોળામાં સુખેથી રહી શકીશ. તેટલામાં એક બાજપક્ષી ત્યાં આવ્યું. તેણે રાજાને કહ્યું, હે દેવ ! આ કબૂતર મારું લક્ષ્ય છે, તમે તેને છોડી દો. રાજાએ કહ્યું હે બાજ! હું કોઈપણ સંજોગોમાં આ પક્ષી તને નહીં આપું કેમકે તે મારા શરણે આવેલું છે. વળી દરેક જીવને પોતાના પ્રાણ પ્રિય હોય છે.
ત્યારે તે બાજ પક્ષીએ મનુષ્ય ભાષામાં મેઘરથ રાજાને કહ્યું કે, આ કબુતરે મારાથી ભયભીત થઈને આપનું શરણ સ્વીકાર્યું છે, પણ ભુખના દુઃખથી વ્યથિત એવો હું કોનું શરણ લઉં ? જો તમે આ કબુતરનું રક્ષણ કરો છો તો મારું પણ રક્ષણ કરો. ત્યારે મેઘરથ રાજાએ કબુતરનો જીવ બચાવવા કહ્યું, હું તને આ કબૂતરના પ્રમાણ જેટલું મારું માંસ કાપીને આપું, જેથી તારે ભૂખથી તડપવું ન પડે. બાજે તે વાત કબૂલી. પછી રાજાએ ત્રાજવાના એક પલ્લામાં કબૂતરને મૂક્યું, બીજા પલ્લામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. જેમ-જેમ રાજા માંસ મૂકતો ગયો તેમ તેમ કબૂતરવાળા પલ્લાનો ભાર વધતો ગયો. તેથી રાજા જાતે જ એક પલ્લામાં બેસી ગયો. ત્યારે એક દેવ પ્રગટ થયો અને રાજાની પ્રશંસા કરતા બોલ્યા કે, હે રાજન્ ! તમે એક જીવના રક્ષણ માટે તમારા પોતાના પ્રાણને તૃણ સમાન પણ ગણતા નથી, તમને ધન્ય છે.
આ છે તીર્થકરના જીવોનું પરોપકાર-વ્યસન. (૨) ઉપસર્ગનતસ્વાર્થી :- સ્વાર્થને ગૌણ કરનાર.