________________ ત્યાર પછી ક્ષપકશ્રેણિનું સ્વરૂપ બતાવાયું છે. ત્યાર પછી ઉદયાધિકારના મૂળગાથા-શબ્દાર્થ રજૂ કરાયા છે. ત્યાર પછી સત્તાધિકારના મૂળગાથા-શબ્દાર્થ રજૂ કરાયા છે. આમ પદાર્થપ્રકાશ ભાગ 13 માં ઉદયાધિકાર અને સત્તાધિકારના બધા પદાર્થોનું સંપૂર્ણ નિરૂપણ કરાયું છે. આ પદાર્થપ્રકાશના ભાગ 10 થી ભાગ 13 સુધીના ચાર ભાગોમાં કરાયેલું પદાર્થોનું સંકલન Short and Sweet, simple and Complete છે. Sugarcoated કડવી દવા જેમ સહેલાઈથી ઉતારી શકાય છે તેમ પદાર્થપ્રકાશના આ ભાગોના માધ્યમ દ્વારા કર્મપ્રકૃતિના ગહન પદાર્થો સહેલાઈથી સમજી શકાય છે. જો પદાર્થોનું આ જ્ઞાન મને પરમપૂજ્ય કર્મસાહિત્યનિષ્ણાત પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી પ્રાપ્ત થયું છે. આ પદાર્થોની વાનગી તૈયાર કરનાર તો એ મહાપુરુષ હતા. મેં તો માત્ર આ પુસ્તકો રૂપી વાસણોમાં એને ઢાળીને ભવ્યાત્માઓને પીરસવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકોમાં જે કંઈ પણ સારું છે તે બધું પૂજયશ્રીનું છે. આ પુસ્તકોમાં કદાચ કોઈ ક્ષતિ થઈ હોય તો તે મારી મતિમંદતાને લીધે થઈ છે. તેની હું ક્ષમા યાચું છું. સુવિશુદ્ધબ્રહ્મચારી પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, વર્ધમાનતપોનિધિ અગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને સંયમૈકલીન ગુરુદેવ પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા - આ ગુરુત્રયીની અવિરત કૃપાવૃષ્ટિના બળે જ હું આ પદાર્થપ્રકાશ શ્રેણિનું સંકલન કરી શક્યો છું. આ પ્રસંગે એ ગુરુદેવોના ચરણારવિંદમાં અનંતશઃ વંદના કરું છું. મજબૂત પાયા ઉપર ચણાયેલી ઈમારત મજબૂત બને છે. પદાર્થજ્ઞાનના મજબૂત પાયા ઉપર ચણાયેલી આગમઅભ્યાસની ઈમારત મજબૂત બને છે. પદાર્થજ્ઞાનના પાયાને મજબૂત બનાવવાનો રામબાણ ઉપાય આ પદાર્થપ્રકાશ શ્રેણિનું અધ્યયન છે.