________________ દર્શન 3 ક્ષપણા અધિકાર 179 સમ્યકત્વમોહનીયનો ચરમ સ્થિતિખંડ ખાલી થતા તે જીવ કૃતકરણ કહેવાય છે. કૃતકરણ અવસ્થામાં જીવ કાળ પણ કરે અને ચારમાંથી કોઈપણ એક ગતિમાં જઈ શકે. તે દેવગતિમાં જાય તો વૈમાનિક દેવ થાય. તે નરકગતિમાં જાય તો ૧લી નરકમાં જાય. તે મનુષ્યગતિ-તિર્યંચગતિમાં જાય તો અસંખ્ય વર્ષના આયુષ્યવાળો મનુષ્ય કે તિર્યંચ થાય. ત્યારે તેને કોઈપણ વેશ્યા હોય. તે તે ગતિમાં તે સમ્યક્ત્વમોહનીયની શેષ સ્થિતિને ભોગવીને ખપાવે અને ક્ષાયિક સમ્યક્ત્વ પામે. જો દેવગતિમાં કે નરકગતિમાં જઈને ક્ષાયિકસમ્યક્ત્વ પામે તો ત્યાંથી મનુષ્ય થઈ મોક્ષે જાય. આમ ત્રીજા ભવે મોક્ષે જાય. જો મનુષ્યગતિમાં કે તિર્યંચગતિમાં અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાં કે તિર્યંચમાં જઈને ક્ષાયિક સમ્યકત્વ પામે તો ત્યાંથી દેવ થઈને પછી મનુષ્ય થઈને મોક્ષે જાય. આમ ચોથા ભવે મોક્ષે જાય. કોઈક જીવ કૃષ્ણ વાસુદેવ અને દુષ્પસહસૂરિની જેમ નરકમાં કે દેવમાં જઈને પછી મનુષ્ય થઈને ફરી દેવ થાય. પછી તે ફરી મનુષ્ય થઈને મોક્ષે જાય. આમ પાંચમા ભવે મોક્ષે જાય. જો કૃતકરણ અવસ્થામાં જીવ કાળ ન કરે તો તે જ ભવમાં સમ્યકત્વમોહનીયની શેષ સ્થિતિને ભોગવીને ખપાવે. આમ સમ્યક્ત્વમોહનીયનો ક્ષય થતા તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને. જો તેણે પૂર્વે આયુષ્ય અને જિનનામકર્મ ન બાંધ્યું હોય તો તે અવશ્ય તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડે. જો તેણે પૂર્વે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યું હોય તો તે તે જ ભવમાં ઉપશમશ્રેણિ માંડી શકે. જો તેણે પૂર્વે અન્ય ત્રણ ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો તે એક પણ શ્રેણિ માંડી ન શકે. જો તેણે પૂર્વે જિનનામકર્મ બાંધ્યું હોય તો તે દેવગતિમાં કે નરકગતિમાં જઈને પછી મનુષ્ય થઈને મોક્ષે જાય.