________________ પ્રકૃતિદેશોપશમના 247 ચારે ગતિના ૪થા ગુણઠાણાથી ૭માં ગુણઠાણા સુધીના જીવો કરે છે. ૧લા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીમાં અનંતાનુબંધી ૪ની વિસંયોજનાના કે ઉપશમનાના અપૂર્વકરણ સુધી અનંતાનુબંધી ૪ની દેશોપશમના થાય છે. શેષ ચારિત્રમોહનીયની અને શેષ સર્વ પ્રકૃતિઓની દેશોપશમના ૮માં ગુણઠાણા સુધી થાય છે. મોહનીયની સર્વોપશમના અને દેશોપશમના બને થાય છે. શેષ પ્રકૃતિઓની સર્વોપશમના થતી નથી, માત્ર દેશોપશમના જ થાય છે. દેશોપશમનાના ચાર પ્રકાર છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશોપશમના, રસદેશોપશમના અને પ્રદેશદેશોપશમના. આ દરેકના બે બે પ્રકાર છે - મૂળપ્રકૃતિવિષયક અને ઉત્તરપ્રકૃતિવિષયક. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૯૫ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 206 ઉપર કહ્યું છે કે, “દેશોપશમનાના બે પ્રકાર છે - મૂળપ્રકૃતિવિષયક દેશોપશમના અને ઉત્તરપ્રકૃતિવિષયક દેશોપશમના. આ બન્નેના 4-4 પ્રકાર છે - પ્રકૃતિદેશોપશમના, સ્થિતિદેશોપશમના, રસદેશોપશમના અને પ્રદેશદેશોપશમના.' (1) પ્રકૃતિ દેશોપશમના :(i) સાદ્યાદિ પ્રરૂપણા : મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિદેશોપશમનાના સાદ્યાદિ ભાંગા - આઠે મૂળપ્રકૃતિઓની દેશોપશમના સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ છે. ઉપરના ગુણઠાણેથી પડીને ૮મા ગુણઠાણે આવે તેને આઠે મૂળ પ્રકૃતિની દેશોપશમના સાદિ છે. ૮મા ગુણઠાણાથી ઉપર નહીં ગયેલાને આઠે મૂળપ્રકૃતિઓની દેશોપશમના અનાદિ છે. અભવ્યને આઠે મૂળ પ્રકૃતિઓની દેશોપશમના ધ્રુવ છે. ભવ્યને ૯મુ ગુણઠાણ પામે ત્યારે આઠે મૂળપ્રકૃતિઓની દેશોપશમના અધ્રુવ છે.