________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્યદષ્ટિ જિનેશ્વર] છે? આત્મસ્વભાવનો અદ્દભૂત મહિમા બરાબર સમજાતાં મુમુક્ષુ જીવ અંતરમાં સંસારથી એટલો બધો થાકી જાય છે કે “મારે એક મારું આત્મદ્રવ્ય જ જોઈએ છે, બીજું કાંઈ જ જોઈતું નથી–પૂર્ણાનંદસ્વરૂપ જે ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તે એક જ જોઈએ છે” એવી અંદર દઢતા કરીને બસ, જ્ઞાયક દ્રવ્યસ્વભાવ તે જ હું છું, શરીરાદિ પરવસ્તુ કે રાગાદિ પરભાવ તે હું નથી. દયા, દાન, વ્રત તપનો વિકલ્પ કે એક સમયની અધૂરી-પૂરી પર્યાય મારું ત્રિકાળી સ્વરૂપ નથી, અરે! જ્ઞાનાદિ ગુણભેદરૂપ પણ હું નથી, અનંત ગુણોનો સાગર એક શુદ્ધ અભેદ ભગવાન તે જ હું છું' એવા ભાવરૂપે તે પરિણમી જાય છે-સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નિર્મળ ભાવે પરિણમી જાય છે. એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ તે જ હું છું, તે જ મારે જોઈએ છે-એવી દઢતા કરીને તે ભાવરૂપ પોતે પરિણમી જાય છે અને બાકી બીજું બધું કાઢી નાખે છે. ચાહે તો શુભ રાગ હો કે ક્ષાયોપથમિક જ્ઞાન હો, તે બધું ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને કાઢી નાખે છે. જીવ જ્યારે પર્યાયનો આશ્રય છોડી દે છે અને એકલા ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરે છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ૧૫૬.
* શ્રોતાઃ- આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ?
પૂજ્ય ગુરુદેવઃ- અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ નક્કી કરતાં જ પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું કયાં રહ્યું? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે કયાંથી? દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું ) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું-એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com