________________
२८२
षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन
પ્રકૃતિવિકૃતિ કહેવામાં આવે છે.
જ્યારે કેટલાક તત્ત્વો માત્ર વિકાર જ હોય-તેમને વિકાર કહેવામાં આવે છે. અને એકતત્ત્વ એવું પણ છે કે કોઈનું પરિણામ પણ નથી અને પોતામાં કોઈને પરિણમવા દેતું પણ નથી.
दृष्टमनुमानमाप्तवचनं सर्वप्रमाणसिद्धत्वात् ।
त्रिविधं प्रमाणमिष्टं प्रमेयसिद्धिः प्रमाणाद्धि ।।४ ॥
પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ (આપ્તજનનું વચન) એ ત્રણપ્રકારના ઇષ્ટપ્રમાણો છે. કારણ કે તેમાં (અન્ય) સર્વપ્રમાણો સમાઈ જાય છે. પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી થાય છે. (કારિકા-૪)
૨૫ તત્ત્વો પ્રમેય છે અને તેની સિદ્ધિ ઉપરોક્ત ત્રણ પ્રમાણોથી થાય છે.
જેના વડે યથાર્થજ્ઞાન એટલે કે પ્રમા-થાય છે તે પ્રમાણ. નૈયાયિકો પણ પ્રમાણનું આજ રીતે લક્ષણ આપે છે. પ્રમા એટલે એવા પ્રકારની ચિત્તવૃત્તિ કે જે અસદ્દિગ્ધ હોય, તથા સંશય, વિપર્યય અને સ્મૃતિથી મુક્ત હોય. ટુંકમાં કહીએ તો ચિત્તને થતો નિર્ભ્રાન્ત યથાર્થઅનુભવ એ જ પ્રમા.
વાચસ્પતિમિશ્ર માત્ર ચિત્તવૃત્તિ પાસે અટકતા નથી, પણ તેઓ આગળ કહે છે કે ચિત્તવૃત્તિ દ્વારા, પુરૂષને જે જ્ઞાન(બોધ) થાય તેનું નામ પ્રમા. પ્રથમ દૃષ્ટિએ આ સાચું પણ લાગે. કારણકે ઘડો આંખદ્વારા ચિત્ત ૫૨ ભલે પોતાની છાયા પાડે, પણ અનુભવ તો “હું ઘડાના જ્ઞાનવાળો થયો' એમ જ થતો લાગે છે.
પણ આ બરાબર નથી. સાંખ્યદર્શનપ્રમાણે પુરૂષ ઉદાસીન છે. તે અનુભવોથી પર છે. તેને પ્રમાતા પણ કહી શકાય નહીં. ત્યારે પછી અહીં શું સમજવું ? એનો ખૂલાસો એ છે કે ચૈતન્ય એવા પુરુષનું પ્રતિબિંબ ચિત્તવૃત્તિમાં પડે છે. પરિણામે ચિત્તવૃત્તિ વસ્તુનો આકાર ધારણ કરે છે અને તેથી આ પ્રતિબિંબને કારણે પુરૂષ અનુભવ કરે છે, તેવો ભ્રમ થાય છે. બીજી રીતે જોઈએ તો અચેતનચિત્તવૃત્તિ સ્વયં કોઈ અનુભવ કરી શકે નહીં. તેથી ચૈતન્યના પ્રતિબિંબ દ્વારા જ તેનો વ્યાપાર શક્ય બન્યો છે.
(પ્રમાણોની બાબતમાં દર્શનકારોની માન્યતા)
→ ચાર્વાક માત્ર પ્રત્યક્ષનો જ સ્વીકાર કરે છે.
→ વૈશેષિક અને જૈન બે પ્રમાણ માને છે. વૈશેષિક પ્રત્યક્ષ અને અનુમાન આ બે. જૈન પ્રત્યક્ષ અને પરોક્ષ. એમ બે માને છે.
→ માધ્વપંથ પ્રત્યક્ષ અને શબ્દ બેને જ સ્વીકારે છે.
→ નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર માને છે.
→ મીમાંસકો (પ્રભાકર) અર્થાપત્તિ સહિત પાંચ માને છે.
→ મીમાંસકો (કુમારિલ) અભાવને સાથે ગણીને ૬ માને છે.
→ અદ્વૈતદર્શન પણ અભાવ અને અનુપલબ્ધિ પ્રમાણ સ્વીકારે છે. આ રીતે છ પ્રમાણ માને છે.
→ પૌરાણિકો ઉપરના છ માં સંભવ અને ઐતિહ્ય ઉમેરી આઠ પ્રમાણો સ્વીકારે છે.
→ કેટલાક તાંત્રિકો ઘેટા નામનું નવમું પ્રમાણ માને છે.
→ અન્યકેટલાક પ્રતિભા નામનું દસમું પ્રમાણ માને છે. સાંખ્યદર્શનના ત્રણ પ્રમાણોમાં ઉપરના બધા પ્રમાણોનો
સમાવેશ થાય છે. આથી ત્રણથી વધારે પ્રમાણ નથી એમ સાંખ્યદર્શન માને છે.
प्रतिविषयाध्यवसायो दृष्टं त्रिविधमनुमानमाख्यातम् । तल्लिङ्गलिङ्गिपूर्वकम् आप्तश्रुतिराप्तवचनं तु ।। ५ ।।