________________
षड्दर्शन समुदय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन
३१९
ટીકાનો ભાવાનુવાદઃ
આચાર્ય આરિએ પણ કહ્યું છે કે – “જેમ સ્વચ્છ પાણીમાં ચન્દ્રમાનું પ્રતિબિંબ ઉદય પામે છે, તેમ બુદ્ધિથી ભિન્ન ચૈતન્યનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવું, તે જ ભોગ કહેવાય છે.” કહેવાનો આશય એ છે કે ચંદ્રમાનું પ્રતિબિંબ જેમ જલનો જ વિકાર છે, ચંદ્રમાનો નહિ, તેમ બુદ્ધિમાં પડતું પુરુષનું પ્રતિબિંબ પણ બુદ્ધિનો જ વિકાર છે, આત્માનો નહિ. આ જ આત્માનો ભોગ છે. વળી વિધ્યવાસી આ પ્રમાણે કહે છે – “પુરુષ તો અવિકારી જ છે, પરંતુ અચેતનમન પોતાના સાનિધ્યથી પુરુષને સ્વતુલ્ય વિકારી બનાવે છે. જેમકે જપાકુસુમ વગેરે ઉપાધિઓ પોતાના સાનિધ્યથી સ્વચ્છ=નિર્મલસ્ફટિકને સ્વતુલ્ય રક્તાદિ બનાવી દે છે. તેમ નિર્મલ પુરુષને પણ મને પોતાના સાનિધ્યથી સ્વતુલ્ય બનાવી દે છે.”
નિત્યચેતના(ચૈતન્ય) જ પુરુષનું યથાર્થ સ્વરૂપ છે. આથી પુરુષનું સ્વરૂપ ચૈતન્ય જ છે, જ્ઞાન નહિ. કારણ કે જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. માત્ર આત્મા પોતાને બુદ્ધિથી અભિન્ન માને છે. સુખ-દુઃખાદિ વિષયોનું ઇન્દ્રિયદ્વારા બુદ્ધિમાં સંક્રમણ થાય છે. બુદ્ધિ બંને બાજુ પારદર્શક દર્પણ જેવી છે. તેથી બુદ્ધિમાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબિત થાય છે. તેનાથી “હું સુખી છું.” અને “હું દુઃખી છું, “હું જ્ઞાતા છું.” આવો ઉપચાર થાય છે. (કહેવાનો આશય એ છે કે બુદ્ધિ બંને બાજુ પારદર્શી દર્પણ સમાન હોવાથી જેમ એકબાજુ સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ પડે છે. તેમ જ બીજીબાજુ પુરુષના ચૈતન્યનું પણ પ્રતિબિંબ પડે છે. આમ ચૈતન્ય અને સુખાદિ વિષયનું એકસાથે પ્રતિબિંબ પડવાથી જ પુરુષ પોતાને “હું જ્ઞાતા છું' હું સુખી છું.' ઇત્યાદિ માનવા લાગે છે.)
પતંજલિએ પણ કહ્યું છે કે “પુરુષ તો શુદ્ધ છે. (છતાં પણ) બુદ્ધિસંબંધી પ્રત્યય અર્થાત્ સુખ-દુઃખાદિ જ્ઞાનવૃત્તિને જુએ છે, તેથી બુદ્ધિના અધ્યવસિત અર્થોને જોતો તદ્દસ્વરૂપ ન હોવા છતાં તદ્દસ્વરૂપ પ્રતિભાસિત થવા લાગે છે. અર્થાત્ જ્ઞાતૃત્વાદિ ધર્મોથી રહિત પુરુષ પણ જ્ઞાતૃત્વાદિ ધર્મોથી સહિત હોય તેમ લાગે છે.” તથા
“બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ, પુરુષની ચૈતન્યશક્તિના સાનિધ્યથી બુદ્ધિ પણ ચેતનવતી પ્રતિભાસિત થાય છે.”
શ્લોકમાં ' માં એકવચનપ્રયોગ કર્યો છે, તે પુરુષત્વજાતિની અપેક્ષાથી કર્યો છે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી તો પુરુષો અનેક છે. કારણ કે એક પુરુષના મૃત્યુ પછી બીજા પુરુષનો જન્મ દેખાય છે તથા એક સુખી અને એક દુઃખી દેખાય છે. આથી ધર્મ-અધર્માદિની વ્યવસ્થા (પ્રવૃત્તિ) અનેકપ્રકારે દેખાતી હોવાથી પુરુષો પણ અનેક છે, તેમ સિદ્ધ થાય છે.
તે સર્વે પણ આત્માઓ સર્વગત અને નિત્ય જાણવા. કહ્યું છે કે “સાંખ્યદર્શનમાં