________________
પહેલું વ્રત
+ બોલતાં-ચાલતાં કે લેતાં-મૂકતાં કોઈ પણ ક્રિયા કરતાં જીવહિંસા ન થાય, કે કોઈનું મન ન દુભાય, પોતાને કે અન્યને કાષાયિક ભાવોની વૃદ્ધિ ન થાય, તે બાબતે જાગૃતિ રાખવી જોઈએ.
૯૩
* અકારણ થતી હિંસાથી બચવા માટે વોટરપાર્ક, હિલ-સ્ટેશન જેવાં આનંદપ્રમોદનાં સ્થાનોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
* હિંસક પ્રવૃત્તિઓમાં રાચતા પરિચિતોથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ.
• વ્રતનો સ્વીકાર કર્યા પછી સતત તેનું સ્મરણ રાખવું જોઈએ. વિસ્મૃતિ કે અન્યમનસ્કતા તે પણ વ્રત માટે અતિચાર છે.
* આ વ્રતના યથાયોગ્ય પાલન માટે કુમારપાળ મહારાજા પોતાના હાથી-ઘોડા વગેરેને પાણી, ગાળીને આપતા હતા, અને ઘોડા વગેરેનાં પલાણો ઉપર પૂંજણીઓ બંધાવતા હતા. તેમના જેવા શ્રાવકોને યાદ કરી પ્રમોદભાવ કેળવી પોતે પણ અત્યંત જયણાપ્રધાન જીવન બનાવવું જોઈએ. • ઘરમાં હિંસાનાં સાધનો તો ભરપૂર હોય છે, છતાં શક્ય હિંસાદિથી બચવા જીવદયા-રક્ષાનાં સાધનો : જેમ કે પૂંજણી, ચરવળી, મુલાયમ સાવરણી વગેરે સાધનો પણ રાખવાં જોઈએ. સંખારાદિનો ઉપયોગ કરવો જોઈએ. અહિંસાના પાલન માટે ઘરમાં ૭ ગળણાં અને ૧૦ ચંદરવા રાખવા જોઈએ. કચરો વાળવા વેકયુમ કલીનર વગેરે ન રાખવા, ન વાપરવા. જીવોને પીડા થાય તેવી બરછટ સાવરણી વગેરેનો ઉપયોગ ન કરવો, ફીનાઈલ, એસીડ, ડી.ડી.ટી., ઉંદરની દવા વગેરેનો ઉપયોગ ન કરવો, પેસ્ટ કંટ્રોલ ન કરાવવા, સાફસફાઈ કરતાં જયણાનો પૂરો ખ્યાલ રાખવો. લીલફુગ ન થાય તેની કાળજી રાખવી. છિદ્રોરહિત ઘટ્ટ જાડા કપડાથી પાણી ગળવું, અણગળ પાણી ન જ વાપરવું. ગાળતાં બચેલા પોરા વગેરે જીવોની યુક્તિથી રક્ષા ક૨વી. ઘરના દરેક નળાદિ ઉપર ગળણું બાંધવું, જ્યાંથી અણગળ પાણી જ આવતું હોય તેવા શાવર, ફ્લશ, ગીઝર વગેરેનો ઉપયોગ ન કરવો. દરેક અનાજ, પકવાનો, સુખડી, દરેક જાતનાં શાક, સોપારી, એલચી વગેરે મુખવાસો, પાન, ભાજી-પાલો, ફળો વગેરે દરેક વસ્તુ પરિમિત, તાજી અને ત્રસ જીવોની હિંસા ન થાય તે રીતે તપાસીને વાપરવી. જયણા ન પાળી શકાય તેવા ઘંટી, મીક્ષર, ગ્રાઈન્ડર, બજારુ લોટ આદિ ન વાપરવા.