________________
૨૦૨
સૂત્રસંવેદના-૪
સાંપડે તો ગુણસેન-અગ્નિશર્માની જેમ અનર્થની પરંપરાનું પણ સર્જન થઈ શકે છે. માટે જ્યારે સુપાત્રનો સુયોગ સાંપડે ત્યારે શુદ્ધ આહાર આપવામાં ક્યાંય પ્રમાદ ન કરવો.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
મહાપુણ્યના ઉદય વિના ગુણવાન આત્માનો સુયોગ થતો નથી. પરમ પુણ્યોદયે મને સુપાત્રની પ્રાપ્તિ થઈ છે. દેવગુરુની કોઈ અનેરી કૃપાથી મહાત્માઓને સાધના માટે અનુકૂળ બને તેવી સામગ્રી પણ મને મળી છે તો પણ પ્રમાદમાં પડેલો હું તેને સફળ કરી શક્યો નથી. સાચે વિત્ત અને પાત્રનો સુયોગ તો મને મળ્યો પણ યોગ્ય ચિત્ત કેળવવામાં હું થાપ ખાઈ ગયો. મારા આ પ્રમાદને કે લોભાદિ કષાયોને ધિક્કાર છે. ધન્ય છે ઘણાસાર્થવાહ અને શાલિભદ્રના પૂર્વભવનાં જીવને, જેમણે ભાવપૂર્ણ હદયે આંગણે આવેલા મહાત્માઓની શુદ્ધ આહારથી ભક્તિ કરી પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કર્યું. આવા મહાપુરુષોના ચરણોમાં મસ્તક મૂકી તેમના જેવી ભક્તિની શક્તિ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરું છું અને સુવિશુદ્ધ પ્રકારે વ્રત પાલનમાં સ્થિર થવા યત્ન કરું છું.” ચિત્તવૃત્તિનું ઘડતર :
બારમા વ્રતનું સુંદર પાલન કરવા ઈચ્છતા શ્રાવકે – * સંયમી આત્માનો સંયોગ હોય તો સદા ભોજન કરતાં પહેલાં મુનિને
વહોરાવી પછી વાપરવું જોઈએ. * મુનિભગવંતો ન હોય તો તેમનું આગમન કઈ બાજુ થઈ રહ્યું છે તેની તપાસ
માટે ચારે બાજુ દિશાનું અવલોકન કરવું જોઈએ. મુનિભગવંત ન દેખાય તો સાધ્વીજીભગવંતને, અને તે પણ ન હોય તો શ્રાવક અને શ્રાવિકાની પણ
અન્નાદિથી ભક્તિ કરી પછી ભોજન કરવું. + વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પૌષધોપવાસ સાથે આ વ્રતનું પાલન કરવું જોઈએ.
+ દાનમાં ક્રમ, વિવેક, સદ્ભાવ, બહુમાનનો ખ્યાલ રાખવો જોઈએ. + દાન આપ્યા પછી પશ્ચાત્તાપ ન કરતાં અનુમોદના કરવી જોઈએ.