Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 267
________________ ૨૪૬ સૂત્રસંવેદના-૪ ત્યાગ કરી, મારે જિનની કથાઓમાં કે ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી સાંભળવામાં મારા દિવસો પસાર કરવા છે. હે વીતરાગ ! મારી અંતરની ભાવના છે કે મારા જીવનની પ્રત્યેક ક્ષણ આપના નામનો જાપ કરવામાં કે આપના જીવનને યાદ કરતાં પસાર થાય. વળી મારા સર્વ વિચારો આપના વચનાનુસારી બનો ! મારી વાણી આપના શાસ્ત્રની છાંટવાળી બનો. હે પ્રભુ ! મારી એક પણ પળ તારા વચનના વિસ્મરણવાળી ન બનો કે જેના કારણે મારું ભવભ્રમણ વધે, મારા સંસ્કારો બગડે અને મારો આત્મા કર્મબંધનો ભાગી બને !” જિજ્ઞાસા : કર્મબંધનો મુખ્ય આધાર મન છે, તો અહીં કથાને કર્મબંધનું કારણ કેમ કહી ? તૃપ્તિ : મનના પરિણામ બગાડવામાં ‘વિકથા’નો ફાળો ઘણો મોટો છે. માણસ જેવું સાંભળે છે તેવું વિચારે છે. એક્ વાર જો સાંભળવાનું સુધરી જાય તો વિચારોમાં ઘણો ફેરફાર આવી જાય. આ દૃષ્ટિએ અહીં કર્મબંધ કરાવનારી કથાઓનો ત્યાગ કરી કર્મો અને કુસંસ્કારોના નાશમાં કારણભૂત ચોવીશ જિનની કથાઓ કરવાની વાત કરવામાં આવી છે. આ ગાથા બોલતાં પ્રભુ પાસે હૃદયપૂર્વક એક પ્રાર્થના કરવાની કે– “હે નાથ ! આજ સુધી મેં માત્ર કર્મબન્ધ થાય તેવી જ કથાઓ કરવામાં જીવન વ્યર્થ ગુમાવ્યું છે, પણ પ્રભુ ! હવે ઇચ્છું છું કે કર્મ બંધાવે તેવી કથાથી અટકી હું કર્મનો નાશ કરે એવી આપની કથા કરી જીવનને સફળ બનાવું. પ્રભુ ! આપના પ્રભાવે મારામાં આ સંકલ્પને વળગી રહેવાનું સત્ત્વ અને સમજણ પ્રગટે તેવી પ્રાર્થના કરું છું."

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280