________________
ચોથું વ્રત
આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે -
“બ્રહ્મચર્ય મારો સ્વભાવ છે. સર્વ પ્રકારનું સુખ તેમાં છે, તોપણ હું કાયર છું, કુકર્મથી જકડાયેલ છું, કુસંસ્કારોથી વ્યાપ્ત છું. આથી અમૃતના કુંડ જેવા આ વ્રતમાં હું સદા રહી શકતો નથી. આમ છતાં આ વ્રતનો યત્કિંચિત્ આસ્વાદ માણવા માટે મેં ‘સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણવ્રત' નો સ્વીકાર કર્યો છે. આ વ્રતનો સ્વીકાર કરી અણીશુદ્ધ પાલન માટેનો મેં યત્કિંચિત યત્ન કર્યો છે, તો પણ નબળાં નિમિત્તો મળતાં ક્યારેક મન અને ઈન્દ્રિયો ચંચળ બની છે, ક્યારેક ન જોવા યોગ્ય જોવાઈ ગયું છે, ક્યારેક ન આચરવા યોગ્ય આચરાઈ ગયું છે. હે ભગવંત ! આ સર્વ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માને કલંકિત કર્યો છે.
૧૨૧
ધન્ય છે સીતા જેવી મહાસતીઓને ! અને ધન્ય છે સુદર્શન જેવા મહાપુરુષોને ! જેમણે આ વ્રતનો સ્વીકાર કરી મરણાંત કષ્ટ સહન કરીને પણ વ્રતને ટકાવી, તેને ક્યાંય લેશ પણ આંચ આવવા દીધી નથી. ધન્ય છે સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓને, જેમણે કામનાં પ્રબળ નિમિત્તો વચ્ચે પણ તન, મનને વિકૃત થવા દીધું નથી. વિકારી નિમિત્તો વચ્ચે પણ આત્મભાવમાં સ્થિર રહેનારા તે મહાપુરુષોનાં ચરણોમાં પ્રણામ કરું છું, અને ઈચ્છું છું કે મારામાં પણ તેમના જેવું સત્ત્વ પ્રગટે અને હું પણ આલોચના, નિંદા, ગર્હ દ્વારા લાગેલા દોષોની શુદ્ધિ કરી પુન: વ્રતમાં સ્થિર થાઉં...
ચિત્તવૃત્તિનું ઘડતર :
સહશિક્ષણવાળી આજની સ્કૂલો-કૉલેજો, ટી.વી., વીડીયો અને અનેક મેગેઝીનોવાળા આજના જમાનામાં આ વ્રતનું અખંડિત પાલન અત્યંત કપરું બનતું જાય છે. શ્રાવકનું આ વ્રત સહેલું નથી. આ વ્રતના પાલન માટે પણ શ્રાવકે સુદર્શનશેઠ, વિજયશેઠ અને વિજયાશેઠાણી અને સ્થૂલભદ્રજી જેવા મહાપુરુષોને સતત આંખ સામે રાખવા જોઈએ, કામ-વાસનાઓનું સ્વરૂપ ચિંતવવું જોઈએ અને તેનાં કટુફળોની વિચારણા કરી મનને વૈરાગ્યથી વાસિત રાખવું જોઈએ. તો જ સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ વ્રતનું યથાયોગ્ય પાલન થઈ શકે છે.
સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરનાર શ્રમણો માટે જેમ બ્રહ્મચર્યની નવ વાડનું પાલન છે, તેમ શ્રાવકે પણ અન્ય સ્ત્રી સાથે વ્યવહારમાં આ મર્યાદાઓનું (વાડોનું) પાલન કરવા યોગ્ય છે, તો જ સારી રીતે વ્રતનું પાલન થઈ શકે.