________________
સાતમું વ્રત
ત્યાગ કર્યો હોય, પરંતુ અનાભોગથી કે અજાણપણે તે વસ્તુઓ વપરાઈ ગઈ હોય, કોઈ વસ્તુ સાથે આવી ચીજો સંકળાયેલી હોય, દવા વગેરેમાં આનો ઉપયોગ થઈ ગયો હોય તો તે સર્વ, વ્રતમાં અતિચારસ્વરૂપ છે.
આ રીતે અન્ય કોઈપણ વસ્તુના ત્યાગ કે નિયમનની પ્રતિજ્ઞા કરી હોય, અને દિવસ દરમ્યાન તે ત્યાગ કરેલી વસ્તુ વિષયક આવા નાના મોટા કોઈપણ અતિચારોનું જાણતા કે અજાણતા આસેવન થયું હોય, તો તે સર્વ દોષોને સ્મરણમાં લાવી શ્રાવક તેની આલોચના, નિંદા અને ગહ કરે છે. આમ કરવા દ્વારા તે પોતાના મનને એવું તૈયાર કરે છે કે પુનઃ પાપનું આસેવન જ ન થાય. આમ, પાપના અકરણરૂપ પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા સાધક આ પદ દ્વારા પ્રગટ કરે છે.
૧૪૯
આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“જડ વસ્તુનો ભોગ-ઉપભોગ કરવો તે મારો સ્વભાવ નથી, તેમ હું જાણું છું; તો પણ શ્રમણભગવંતોની જેમ ભોગ વિના, કે જરૂરી ભોગ કરવો પડે ત્યારે પણ નિર્લેપભાવવાળા રહેવાનું મારું સામર્થ્ય નથી. આવી શક્તિ પ્રગટાવવા મેં ‘ભોગોપભોગપરિમાણ વ્રત’ નો સ્વીકાર કર્યો છે. વ્રતનો સ્વીકાર કરી અણીશુદ્ધ પાળવાની ભાવનાથી યથાશક્તિ યત્ન પણ કર્યો છે; તો પણ પ્રમાદાદિ દોષોને કારણે તથા ઈચ્છાઓ ઉપર' અંકુશ ન રાખી શકવાને કારણે દિવસ દરમ્યાન અનેકવાર મેં મારા વ્રતને મલિન કર્યું છે. ક્યારેક ખાવાની તો ક્યારેક પહેરવાઓઢવાની ચીજ-વસ્તુઓ પ્રત્યે મારું મન આકર્ષાયું છે, ક્યારેક તેવો વાણીવ્યવહાર પણ થઈ ગયો છે, અને ક્યારેક કાયા પણ તેમાં સંલગ્ન થઈ છે. આ સર્વ અતિચારોને યાદ કરી, તેનાથી પાછા વળવા માટે સર્વથા ભોગોપભોગથી રહિત મહામુનિઓના ચરણમાં પ્રણામ કરી પ્રાર્થના કરું છું કે હે ભગવંત ! આપના જેવી નિર્મળ મનોવૃત્તિ અને શક્તિ મને પણ પ્રાપ્ત થાઓ ! જેથી હું પણ નિરતિચાર વ્રતપાલનમાં સ્થિર થાઉં અને આપના જેવું જીવન જીવી સર્વથા જડવસ્તુના ભૌગોપભોગ વિનાનું અણ્ણાહારીપદ પ્રાપ્ત કરું.”