________________
૧૩૬
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
સમ્યકત્વમૂળ બાર વ્રતમાં સાતમું ભોગપભોગ પરિમાણ નામનું બીજું ગુણવ્રત છે. ભોગનો અર્થ ભોગવવું, માણવું, અનુભવ કરવો કે સ્પર્શ કરવો વગેરે થાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ જડ પદાર્થોના ધર્મ છે. તે ગુણધર્મોને ઇન્દ્રિયના માધ્યમે જીવ જાણી-માણી શકે છે. શબ્દાદિ પાંચ વિષયો સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થતાં અનાદિ કુસંસ્કારને કારણે જીવને ત્યાં આફ્લાદ થાય છે. વળી આ સારું છે, મને સુખ આપનાર છે; આવો મમતાકૃત ભાવ થાય છે. વિષયોના સંપર્કથી થતો આ ભાવ તે જ નિશ્ચયનયથી ભોગપદાર્થ છે, અને આહાર, વસ્ત્રાદિનો બાહ્યથી ઉપભોગ કરવો તે વ્યવહારથી ભોગપદાર્થ છે.
ભોગવવા યોગ્ય પદાર્થો બે પ્રકારના છે, તેમાં જેનો એક જ વાર ઉપયોગ થઈ શકે તેવા આહાર, પુષ્પ વગેરેને ભોગ્ય પદાર્થ કહેવાય છે, અને જેનો વારંવાર ઉપયોગ થઈ શકે તેવા સ્ત્રી, ઘર, વસ્ત્ર, અલંકાર આદિને ઉપભોગ્ય પદાર્થ કહેવાય છે.
જડ એવા આહાર, વસ્ત્ર, પાત્ર કે અલંકાર આદિ સાથે આત્માને કોઈ સંબંધ નથી. તેના ભોગ-ઉપભોગથી આત્માને કોઈ સુખ પણ મળતું નથી. આમ છતાં સમ્યગુજ્ઞાનના અભાવે અને મિથ્યાત્વના ગાઢ સંસ્કારોના કારણે; જીવને, દુઃખકારક એવા પાંચે ઈન્દ્રિયોના વિષયો સુખકારક છે' એવો ભ્રમ થાય છે. આ ભ્રમના કારણે તેને પાંચે ઈન્દ્રિયોના વિષયોને મેળવવાની અને ભોગવવાની નિરંતર ઈચ્છાઓ થયા કરે છે. આ ઈચ્છા જ સર્વ દુઃખનું મૂળ છે, તો પણ ભોગસામગ્રી પ્રાપ્ત થતાં કે ભોગવતાં તે ઈચ્છાઓ, અલ્પકાળ માટે શમે છે, અલ્પકાળ માટે થતા આ દુઃખના શમનમાં ‘આ સુખ છે' એવો ભ્રમ જીવને થાય છે. વાસ્તવમાં આ સુખ નથી દુઃખની હળવાશ છે; પરંતુ અજ્ઞાન અને મોહના કારણે દુઃખની આ હળવાશને જીવ સુખ માની પુનઃ પુનઃ તેમાં પ્રવર્તે છે. પરિણામે ભોગસામગ્રીથી સુખ મળે છે એવો તેનો ભ્રમ પુષ્ટ થતો જાય છે. આ ભ્રમના કારણે જીવ વાસ્તવિક આત્મિક સુખ ભોગવી શકતો નથી. અરે ! તે તરફ તેની નજર પણ જતી નથી.
આથી પ્રભુએ આત્મિક આનંદમાં જીવનો રસ જગાવવા માટે, સાધુઓ પાસે આરાધનામાં પૂરક બને તેવાં સાધનો સિવાયનાં તમામ સાધનોનો ત્યાગ કરાવ્યો છે; જ્યારે સંસારીઓને તેઓ સંસારમાં રહે છતાં પણ તેમનો વિષયોનો રસ તૂટે અને વિણ ખાધાં વિણ ભોગવ્યાં...” જે ફોગટ કર્મબંધ થાય છે, તેનાથી બચાવવાના મુખ્ય ઉદ્દેશથી આ ભોગોપભોગ પરિમાણવ્રત બતાવ્યું છે.