Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
છાપ ઉપસાવી.... તે સમયે તાત્કાલિક તો ગળા ઉપર ભીના કપડાનાં પોતા મૂકીને રાત પસાર થઇ ગઇ... સવાર થઇ ત્યારે રાત્રિ દરમ્યાનના પ્રસંગમાં આ પાંચ વર્ષની બાળવયમાં પણ લીધેલા એકાસણાના પચ્ચખાણમાં જે અડગતા નિહાળી તેના ઉપરથી આ બાળરત્ન ભવિષ્યમાં પ્રભુના શાસનને દીપાવવાની ક્ષમતા ધરાવવાનો અણસાર પામી ગયા... તેઓએ ચીનના પિતાશ્રી હીરાભાઈને બોલાવી રાત્રિના પ્રસંગની વાત કરી અને સાથે સાથે જણાવી દીધું કે, ‘હીરા! તારે આ બાળકને લીધા વિના નથી નીકળવાનું.’ વૈરાગ્યના રંગે રંગાયેલા હીરાભાઈનું હૈયું નાચી ઉઠ્યું અને રોમે રોમે આ બાળક સાથે સંયમગ્રહણની અભિલાષાનો અનેરો આનંદ વ્યાપી ગયો. હવે સંયમગ્રહણની તાલીમ માટે પૂજ્યોના સાંનિધ્યમાં જ રહેવા લાગ્યા... તે અરસામાં તે સમયે પાટણમાં પૂ.પં. રામવિજયજીની સામે કોઈ કારણસર બળવો પોકારવામાં આવ્યો હતો અને જ્યારે સાધુસમુદાય સાથે તેઓ માર્ગમાં વિચરતા હતા ત્યારે કેટલોક જનસમુદાય કાળા વાવટાઓ લઈ પૂ. પં. રામવિજયજીની સામે પડ્યો હતો. તે અવસરે ગુરુભગવંત પ્રત્યે અવિહડ રાગ ધરાવતા હીરાભાઈએ મોરચો લઈ આવેલા ટોળાની સમક્ષ જાહેર કર્યું કે “ખબરદાર! હવે કોઈ આગળ વધશો નહીં! હવે આગળ વધવું હોય તો મારી | લાશને ઓળંગીને આગળ કદમ ઉઠાવશો.’ ગુરુભક્તિના રાગથી રંગાયેલા હીરાભાઈના ખુમારીભર્યા આ વચનોથી ટોળામાં થોડો સોપો જરૂર પડ્યો પણ તેમાં વિશેષ બળવાખોર તત્ત્વોએ તે વાતની દરકાર ન કરી... તેઓ આગળ વધ્યા અને હીરાભાઈ સાથે ઝપાઝપી થતાં હીરાભાઈ લોહીલુહાણ પણ થયા... ધીમે ધીમે મામલો થાળે પડી ગયો...
વિશેષ વૈરાગ્યવૃદ્ધિ અને સંયમતાલીમના આશયથી વિ. સં. ૧૯૮૮ની સાલમાં પૂ.આ. દાન સૂ. મ. સા., પૂ. ઉપા. પ્રેમવિજયજી મ.સા., પૂ. પં. રામવિજયજી મ.સા. આદિ ઠાણાની પાવનનિશ્રામાં વઢવાણ ચાતુર્માસ રહ્યા... ચાતુર્માસ બાદ વિહારની તાલીમ આપવા માટે બાળ ચીનને
પાલિતાણા તરફના વિહારમાં સાથે રાખવામાં આવ્યો. ચારિત્રરત્ન પારખુ ઉપા. પ્રેમવિજયજી મ.સા.ની કસોટીમાંથી પાર ઉતરતાં પૂ. આ. દાન સુ.મ.સા. દ્વારા મુમુક્ષુ ચીનુની દીક્ષાનું મંગલમુહૂર્ત કાઢવામાં આવ્યું. પૂ. પિતાશ્રી હીરાભાઈ સાથે શ્રી સમેતશિખરજી આદિ કલ્યાણકભૂમિ વગેરે તીર્થની સ્પર્શના દ્વારા તેઓએ સમ્યગ્રદર્શનને વિશેષ નિર્મળ બનાવ્યું...'
હીરાભાઈએ કુટુંબ સહિત ચારિત્રગ્રહણ કરવાની ભાવનાથી ધર્મપત્ની ચંદનબેન તથા પુત્રી વિમળાને પણ સાધ્વીજી ભગવંતોના સાનિધ્યમાં રહી જ્ઞાનાભ્યાસ કરવાની વ્યવસ્થા કરી. લગભગ ૫-૬ માસ રહેવા છતાં પૂર્વભવના જ્ઞાનાવરણીય કર્મોના તીવ્ર ઉદયને કારણે ચંદનબેન જ્ઞાનાભ્યાસ ન કરી શક્યા. અનેક પ્રયત્નોના અંતે તેઓએ ગૃહવાસમાં સુશ્રાવિકાનું જીવન પસાર કરવા વિચાર્યું... સાથે રહેલી વિમળાને તો દીક્ષા લેવાની તીવ્ર ભાવના હોવા છતાં કોઈ અંતરાયકર્મોના ઉદયને કારણે માતાની સંભાળ માટે સાથે રહેવાનું નક્કી થયું. ગુરુભગવંતો દ્વારા ચીનની દીક્ષા માટે સંમતિ મળવા છતાં એક તરફ તે સમયના દેશકાળમાં ગાયકવાડ સરકારના રાજમાં બાળદીક્ષાનો સખત વિરોધ ચાલતો હતો તો બીજી તરફ ચીનુ પ્રત્યેના મોહને વશ અન્ય કુટુંબીજનો તેને દીક્ષા અપાવવા સહમત ન હતા. હીરાભાઈ મુંઝવણમાં હતાં કે ક્યાં ? કેવી રીતે ? દીક્ષા કરવી. બે-ત્રણ સ્થાનોમાં દીક્ષા અપાવવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ સફળતા ન મળી, છતાં પૈર્યપૂર્વક સતત પુરુષાર્થ કરતાં હીરાભાઈને અંતે ગુરુભગવંતોના ચારિત્રબળના પ્રભાવે ખંભાત શ્રી સંઘના શ્રેષ્ટિવર્ય શેઠશ્રી કસ્તુરભાઈ તરફથી દીક્ષાની વ્યવસ્થા કરી આપવા માટેનું આશ્વાસન મળ્યું... સૌ દીક્ષા સ્થળ બાબત હજુ ચિંતિત હતા ત્યારે શેઠશ્રીની સૂચનાનુસાર હીરાભાઈચંદનબેન આદિ અંગત વ્યક્તિ સાથે મુમુક્ષુને દીક્ષાની આગલી રાત્રે ખંભાત લાવવામાં આવ્યા અને રાત્રે જ ગાડામાં બેસીને સૌ ખંભાત નજીકના વત્રા ગામમાં રાત્રે એક વાગે પહોંચ્યા હતા.