Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વિહારમાં સાથે જ રહેતા હતા. તપોમય દેહ, કૃશ થયેલ દુર્બળ કાયા, ક્ષીણ જંઘાબળ વગેરેના કારણે શરીરની પ્રતિકૂળતા હોવા છતાં નશ્વર દેહની નબળાઈને લક્ષમાં લીધા વિના સિદ્ધપદની સાધનાને સિદ્ધ કરવાના શુભ સંકલ્પવાળા પૂજ્યશ્રી મક્કમ મનોબળના સથવારે એક તરફ મુનિ હેમવલ્લભવિજયજી અને બીજી તરફ વાસણાના સુશ્રાવક હસમુખભાઈનો હાથ પકડી કમ્મરથી વાંકા વળી જતાં હોવા છતાં પગપાળા જ વિહાર કરતાં હતા. અંદરથી દીર્ઘ-તપશ્ચર્યાના તાપ અને બહારથી સૂર્યનારાયણના તાપ વડે સુવર્ણમય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઉપર લાગેલા અનાદિકાળના અશુભ કર્મોને ભસ્મીભૂત કરવાનો ભગીરથ પુરુષાર્થ કરતાં હતા. પૂર્ણકલાએ ગગને ચડેલાં સૂર્યદેવના મહાતાપથી તપેલી ડામરની સડકના દાહથી રક્ષણ મેળવવા વાપરેલા કપડાના જૂના ચીથરાઓ ભેગા કરી પગમાં બાંધીને ધીમે ધીમે વિહાર કરતા હતા.. એકાદ કિલોમીટર ચાલવાથી ઉંમરના લીધે લાગેલા થાક અને ચડેલા શ્વાસને ઉતારવા માટે થોડો સમય માર્ગમાં વિશ્રામ લેતા. ૧૫-૨૦ મિનિટે પુનઃ ચાલવાનું શરૂ કરી આગળ વધતાં અને વારંવાર વિશ્રામ-વિહારની પરંપરા સાથે થાકીને લોથપોથ થઈ ગયેલા પૂજ્યશ્રી લગભગ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સંઘ મંડપમાં પહોંચતા. આટલા શ્રમિત થવા છતાં થાકને લેશમાત્ર ગણકાર્યા વગર સીધા જ સંઘના જિનાલયમાં પ્રભુદર્શન, દેવવંદન, કાયોત્સર્ગ, ખમાસમણાદિ નિત્ય આરાધનામાં પરોવાઇ જતા... લગભગ દોઢ કલાકની દેરાસરની આરાધના બાદ સ્થાનમાં પધારી પોતાનો નિત્ય સ્વાધ્યાય કર્યા બાદ પાંચ વાગ્યાની આસપાસ પચ્ચખાણ પારી આયંબિલ કરવા બેસતાં.
જ્યાં વાપરીને ઊભા થતાં ત્યાં વ્યાખ્યાનમાંથી છૂટીને આરાધક યાત્રાળુઓ તથા તે તે મુકામના ગ્રામવાસીઓ દર્શન-વંદન કરવા પધારતાં. તે સમયે મનમાં સ્ટેજમાત્ર પણ અરુચિ કે ઉદ્વેગવિના ખૂબ જ પ્રસન્નતાપૂર્વક સૌને હિતવચનોનું
પીયુષપાન કરાવી યથાયોગ્ય ધર્મબોધ આપતાં અને સૌના હૈયામાં પ્રભુના શાસન પ્રત્યે બહુમાનભાવ પેદા કરવા દ્વારા સવિ જીવ કરું શાસનરસીની ભાવનાને દિલમાં વહાવતાં.
ક્યારેક ક્યારેક તો આઠ-નવ કિલોમીટરનો વિહાર કર્યા બાદ એક ડગલું પણ આગળ વધવું અશક્ય બની જતું... અતિશ્રમને કારણે અધવચ્ચે જ કોઈપણ સ્થાને અટકી જતાં ત્યારે સહવત મુનિ પૂજ્યશ્રીને વિશ્રામયોગ્ય સ્થાનની તપાસ કરી તેઓશ્રીને ત્યાં સ્થિરતા કરાવતાં અને સાથે રહેલાં શ્રાવકોને પૂજ્યશ્રીનો ખ્યાલ રાખવાની ભલામણ કરી સ્વયં બે-ત્રણ કિલોમીટર દૂર રહેલા સંઘના મંડપમાં જઈ પૂજ્યશ્રી તથા પોતાની ગોચરી લઈ બે-ત્રણ કિલોમીટર પાછા પૂજ્યશ્રી પાસે આવતાં... અને જો કોઈવાર સૂર્યાસ્તના સમય સુધીમાં સંઘના મંડપમાંથી ગોચરી લાવી વાપરવા પૂરતો સમય ન હોય તો વિશ્રામ કરવા બેઠાં હોય તે સ્થાનની નજીક કોઈ અજૈનોના ઘરમાંથી જ સવારે બનાવેલા સુકા રોટલા-રોટલી વહોરી લાવી સાથે રહેલા શ્રાવકો પાસેથી પાણી ગ્રહણ કરી પૂજ્યશ્રીને પચ્ચખાણ પરાવીને આયંબિલ કરાવતાં ! ત્યારબાદ તરત ત્યાં જ પડિલેહણાદિ વિધિ પતાવી વિહાર કરતાં અને સંઘમંડપમાં સમયસર પહોંચી જતા. ડગલે ને પગલે જયણા-સંયમાદિના આલંબને જિનાજ્ઞાપૂર્વક સંયમપાલનના સાક્ષાત્ દર્શન થતાં.... | ઐતિહાસિક છ'રીપાલિત સંઘ શાસનપ્રભાવનાપૂર્વક દિનપ્રતિદિન આગળ વધી રહ્યો હતો... મુખ્ય સંઘપતિ વસંતબેન વાડીલાલ પોપટલાલ વસાના (ધોરાજીવાળા) સુપુત્ર પ્રકાશભાઈએ તો આ સંઘ નિર્વિધ્ધ સિદ્ધાચલની શીતલ છાયામાં પહોંચે તેવા શુભાશયથી સંઘપ્રયાણના શુભ દિનથી વીસ ઉપવાસની દીર્ઘ તપશ્ચર્યા આદરી હતી. અમદાવાદના રીતેશભાઈ અને નિમેષભાઈએ અનુક્રમે દસ અને આઠ ઉપવાસની આરાધના કરી, અન્ય યાત્રિકોમાં વર્ધમાન આયંબિલ તપનો પાયો, અટ્ટમના પારણે અટ્ટમ, છટ્ટ,