Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કારણભૂત બની હોય. વકીલાતનો વ્યવસાય કરનારે નોકરી શોધવાપણું હોય નહીં, વકીલાત એ આજીવિકાનું એક સ્વાધીન સાધન - તે હકીકત પણ પ્રેરક બની હોય. ગોવર્ધનરામ ત્રિપાઠી જેવાનો દાખલો પણ નજર સામે હોય. એલએલ.બી. થયા પછી મોહનભાઈએ ૧૯૧૦-૧૧માં જ હાઈકૉર્ટ વકીલની સનદ મેળવી મુંબઈની સ્મૉલ કૉઝ કૉર્ટમાં વકીલાત શરૂ કરી અને છેક સુધી એ જ કરતા રહ્યા. મોહનભાઈ પ્રતિષ્ઠિત વકીલ હતા પણ એમની યોગ્યતા અને સજ્જતાને છાજે એવી રીતે વકીલાતમાં એ આગળ આવ્યા નહીં. વકીલાત એમણે જમાવી નહીં, ન એમાંથી પૈસા કમાયા. ઊલટું, કુટુંબનો સારી રીતે નિર્વાહ કરવાની ચિંતામાંથી એ કદી મુક્ત થયા નહીં. આનાં ઘણાં કારણો હતાં. એક તો ગરીબાઈમાં ઊછરેલા મોહનભાઈને શ્રીમંતાઈનું કદી આકર્ષણ ન થયું. યોગક્ષેમ પૂરતું કમાઈ લેવાથી એમણે સંતોષ માન્યો. હૉસ્ટેલ છોડ્યા પછી મોહનભાઈ પ્રિન્સેસ સ્ટ્રીટ પર લુહાર ચાલમાં તવાવાળા બિલ્ડિંગમાં બે રૂમ ને રસોડાના બ્લૉકમાં પોતાનો ઘરસંસાર શરૂ કર્યો તે જીવનભર એમાં જ રહ્યા. ચોપડીઓથી ભરચક્ક એમના દીવાનખંડમાં ખુરશી-ટેબલ પણ નહીં. પોતે ગાદી પર બેસે ને આવનાર ચટાઈ પર. મોહનભાઈની કક્ષાના વકીલનું ઘર આવું તો ન જ હોય. બીજું, મોહનભાઈ સત્યપ્રિય વ્યક્તિ હતા. વ્યવસાયમાં પણ એ સત્યપ્રિયતા છોડવાનું પસંદ ન કરે. સત્યપ્રિયતા સાચવીને વકીલાતનો વ્યવસાય કેવોક થઈ શકે ? ફોજદારી કેસ તો મોહનભાઈ કદી લેતા જ ન હતા. ત્રીજું, મોહનભાઈ સેવાભાવી હતા. એટલે એમની કેટલીક વકીલાત વગર પૈસાની પણ હોય. પોતે જેની સાથે સંકળાયા હતા તે મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાનું વકીલાતનું કામ હોય તો એની એ ફી ન લેતા. ચોથું, વકીલાતનો રસ મોહનભાઈને જીવનનિર્વાહ પૂરતો જ હતો. એમને લગની તો સાહિત્યસેવા અને સમાજસેવાની હતી. એમની સાહિત્યસેવા અવિરતપણે ૧૯૧૦થી જ શરૂ થઈ ચૂકી હતી અને વકીલાતમાં પડ્યા પછી થોડા વખતમાં જ એ જૈન સમાજને લગતા જાહેરજીવનમાં પણ ઊંડો રસ