Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્ધત્મતિભા અને મનુષ્ય પ્રતિભા 78 કરતા રહ્યા છે ને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં માત્ર ભૂલો સુધારતું જ નહીં પણ નવી પ્રાપ્ત થયેલી માહિતી ઉમેરતું વિસ્તૃત શુદ્ધિ અને વૃદ્ધિપત્રક આપ્યું છે તે આપણે ત્યાં સંશોધકોમાં પણ વારંવાર જોવા ન મળતી ચોકસાઈની વૃત્તિનું અને અખંડ જાગરૂકતાનું એક ઉજ્વલ ઉદાહરણ છે. મોહનભાઈની શક્તિ ને સજ્જતા આમાં ક્યાંક ઊણી ઊતરી હોય એમ બને પણ એમની વૈજ્ઞાનિકતા અને સત્ય હકીકત માટેના આગ્રહનો આંક ઓછો આંકવા જેવો નથી. શૈલી મોહનભાઈનાં સર્વ લખાણોમાં આપણને સંસ્કૃતાઢ્યતા વિનાની શિષ્ટ ગુજરાતી ભાષાનો વિનિયોગ જોવા મળે છે. માહિતી કે વિચાર - કશાને રજૂ કરવામાં એમને ભાષાની મર્યાદા નડતી નથી. એમણે કરેલા અનુવાદો એટલા સરલ-સહજ હોય છે કે એમની ભાષાક્ષમતાનું એ મોટું પ્રમાણ બની રહે છે. વાક્યરચના બહુધા અક્લિષ્ટ અને પ્રવાહી હોય છે ને સમગ્ર લખાણ એક વ્યવસ્થિત આકાર પામે છે. એમનાં લખાણોમાં સઘનતાને સ્થાને પ્રસ્તાર થયેલો કેટલીક વાર અનુભવાય, પણ એથી ફુટતા અને સર્વગમ્યતા આવે છે. મોહનભાઈમાં હૃદયની નિર્મલતા છે. જે કહેવાનું હોય તે શાંત ભાવે સ્પષ્ટ અને સીધું એ કહે છે. એથી એમની શૈલીમાં સાદાઈભરી લક્ષ્યગામિત આવે છે. મોહનભાઈનાં લખાણો માહિતીલક્ષી ને વિચારલક્ષી હોઈ એમાં શૈલીના રંગને ભાગ્યે જ અવકાશ મળે એવું છે. આમેય સ્વસ્થતા એ મોહનભાઈનું સ્વભાવલક્ષણ છે. આમ છતાં, લખાણો શુષ્કતા અને કર્કશતાનો ભોગ બનતાં નથી, પ્રસાદગુણ સદા પ્રવર્તી રહે છે અને પ્રસંગે ઉત્સાહ, જોમ તથા ઉષ્માના સ્પર્શ ધરાવતું ગદ્ય પણ આપણને સાંપડે છે. આ પ્રકારના ગદ્યના બેત્રણ નમૂના જુઓ : તે વિવેકાનંદના પત્રો] વાંચતાં તનમાં તનમનાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રોત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનોરમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માનો વેગ એવો પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કોઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.”