Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અંજલિ 127 ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઈતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. હવે તો એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર બન્ને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાંય મોહનભાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત) ઇતિહાસનું સ્થાન છે એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હોય તો, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો “જૈન ગૂર્જર કવિઓ છે. એમણે તે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તે જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલો અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તો સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બન્ને સમાનગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું કે, “મારો રોજિંદો કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરકુળતા.” એક વાર તેમની સાથે કૉર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પ્રફો સાથે હતાં, અને વખત મળે કે જોતા. મેં દાદર, ઘાટકોપર અને મુલુંદ એ સ્થળોમાં તેમને અનેક વાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછ્યું, “આ ભાર શો ?" તો કહે, “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કોણ ? અને રહી જાય.” - અહીં સિંઘી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્ર' [વસ્તુતઃ સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાયવિરચિત ભાનુચન્દ્રમણિચરિત'] કોઈ પણ સ્કૉલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીનો વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી, એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એક વાર એક કામનો વિચાર ચાલતો હતો