Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કેટલાંક સંસ્મરણો 111 વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલોના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવામાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કોઈને એવું ભાન થવા ન દે કે તેમનો સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ મોહનભાઈનો વકીલાતનો રસ માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્ત્વ આદિ અનેક વિષયોમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીનો બધો સમય અને બધી શક્તિ તો પોતાના પ્રિય વિષયોમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળોના ભંડારો તેમણે જાતે જોયેલા. અનેક ભંડારોનાં લિસ્ટો મંગાવે, અનેક સ્થળેથી, દૂરદૂરથી લિખિત પોથીઓ મંગાવે અને જે-જે પોતાને ઉપયોગી દેખાય તેની અને પોતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કોઈ વસ્તુ મળી આવે તો તેની પણ તેઓ જાતે નકલો કર્યા જ કરે. મિત્રો કે પરિચિતો આવે ત્યારે વચ્ચે વાતો પણ કરે, ગપ્પાં પણ મારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તો કૉપી કરવામાં, કાંઈક લખવામાં કે પૂફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો તેની પુરવણી તેઓ રાતે જાગીને જ કરતા અને " નિશા સર્વભૂતાનાં તસ્યાં નાર્તિ સંયમી !' એ ગીતાવાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડારો જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારો જોવાની મળેલી તકનો ઉપયોગ કરવામાં એટલાબધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું?” એમ જ્યારે અમારામાંનાં શ્રી મોતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું