Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ 121 અસાધારણ સમાન ગુણ હતો. કાવ્યો પણ મોહનભાઈ કરતા. પોતાની સેવાની કદર વિશે બંને બેપરવા હતા. સન્માન સમિતિ મોહનભાઈને જીવતાં સન્માની ન શકી એ બીના ખેદજનક છે તેમ છતાં પણ અભાન અવસ્થામાં પણ પોતાની સેવાઓના બદલામાં મોહનભાઈએ માનપત્ર અને થેલી સ્વીકારી એમ નોંધાવાને બદલે એમ માનપત્ર અને થેલી વણઅર્પયાં અધ્ધર રહી ગયાં એ ઘટના મોહનભાઈની આજીવન નિષ્કામ સેવાભાવનાને વધારે ઉજ્વળ અને યશસ્વી બનાવે છે. પોતાની સેવાના બદલામાં આટલું પણ મોહનભાઈએ સ્વીકાર્યું હતું એમ કહેવાપણું ન રહ્યું એ મોહનભાઈના નામને વધારે ગૌરવ આપે છે. આજે એ સન્માનફંડ સ્મારક ફંડમાં ફેરવાયેલું ઊભું છે. મોહનભાઈ પ્રત્યે, તેમની સાહિત્યભક્તિ અને સમાજસેવા પ્રત્યે આદર ધરાવનાર સૌ કોઈ બંધુ આ ફંડમાં યથાશક્તિ નાનીમોટી રકમ આપે, મોહનભાઈ સાથે ખભેખભો મેળવીને, અથડાઈને તેમજ ભેટીને તેમના જે સાથીદારોએ વર્ષો સુધી કામ કર્યું છે તેઓ પોતાના સાથી પ્રત્યેની વફાદારી અને સ્નેહધર્મ તરીકે આ ફંડને વિસ્તારવાની ચિંતા અને જવાબદારી સ્વીકારે અને મોહનભાઈની અનેકવિધ સેવાઓ અને અનન્ય સાહિત્યઉપાસનાને અનુરૂપ તેમનું સ્મારક ઊભું કરવામાં આવે આવી નમ્ર ભાવે પ્રાર્થના છે. પ્રિબુદ્ધ જૈન, તા.૧-૩-૪૬]