Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 124 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા જે પ્રાપ્ત થાય અને શીખવાનું મળે ત્યાંથી મુક્તમને તે મેળવવું અને તેનો યોગ્ય વિનિમય કરવો. મુંબઈના પ્રથમ મિલન પછી તો તેમના છેલ્લા દિવસો સુધીમાં હું અને તેઓ એટલી બધી વાર મળ્યા છીએ કે તેનો આંક સ્મૃતિમાં પણ નથી. માત્ર મળ્યા જ છીએ એટલું જ નહીં, પણ સાથે કલાકો લગી અને કેટલીક વાર તો દિવસો લગી રહ્યા છીએ. સાથે પ્રવાસ પણ કર્યો છે. આ બધા પ્રસંગે મેં એ જોયું કે તેઓ રાજકારણ, કૉંગ્રેસ કે ગાંધીજી વગેરેની કોઈ પણ ચર્ચા ઉપરથી છેવટે કૉન્ફરન્સની પ્રવૃત્તિને લગતી કોઈ ને કોઈ બાબત ઉપર આવે, જાણે કે એમના મનમાં એક પ્રશ્ન ઘોળાતો ન હોય તે રીતે વાત કરે. મને લાગેલું કે એમનો પ્રશ્ન એ છે કે કૉન્ફરન્સ શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સુધારાની બાબતમાં શું-શું કરી શકે અને તે કામ કેવી રીતે પાર પાડવું ? એક તો જૈનસમાજ વ્યાપારપ્રધાન, આર્થિક દૃષ્ટિએ તદ્દન સ્વાધીન હોય એવા લોકો ગણ્યાગાંઠ્યા, મધ્યમવર્ગીય બધા જૈનોને કૉન્ફરન્સમાં સંમિલિત કરવાની દૃષ્ટિ, સાધુઓના અંદરોઅંદરના પક્ષભેદ અને તેને લીધે શ્રાવકવર્ગમાં પડતી ફૂટના કૉન્ફરન્સ ઉપર પડતા પ્રત્યાઘાતો - આ બધું કિૉન્ફરન્સની દૃષ્ટિ, શક્તિ અને પ્રવૃત્તિને મર્યાદિત કરનારું પહેલેથી જ હતું અને હજીયે છે. એક બાજુથી બધી દિશામાં વિચારસ્વાતંત્ર્યનો પવન ફૂંકાતો હોય, અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ દેશમાં વિકસતી જતી હોય અને બીજી બાજુથી કૉન્ફરન્સ એ સાથે તાલ મેળવી ન શકતી હોય તો સાચા ધગશવાળા કાર્યકર્તાને મૂંઝવણ થાય. એવી મૂંઝવણ મેં શ્રી મોહનભાઈમાં અનેક વાર નિખાલસપણે પ્રગટ થતી જોઈ છે. અત્રે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે મોહનભાઈ વકીલ હતા, પણ તેમની વકીલાત એવી ન હતી કે તેમને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરવાનો અવકાશ આપે. આવક બહુ મર્યાદિત, કૌટુમ્બિક આદિ પ્રશ્નો ઘણા, છતાં એમનું ખમીર આશાવાદી, પ્રવૃત્તિશીલ અને કર્મઠ હતું. વળી એમની તબિયત પણ એટલી જ સારી. થાક તો જાણે લાગે જ નહીં. કોઈક વાર જમ્યા પછી પણ જમવાનો પ્રસંગ આવે તો તેઓ પાછા ન પડે. અને એમની નિષ્ઠા પણ એટલી પાકી. કોઈ કામ લીધું એટલે એ પૂરું કર્યું જ છૂટકો.