Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કેટલાંક સંસ્મરણો 115 પંજાબ ન જાત.” તેમણે ઉમેર્યું કે, “જ્યારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્રો ાથમાં લીધાં છે ત્યારથી તો કોંગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કોંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તો શું થયું ? પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે !" સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતો. તે વખતે જોઈ શકેલો કે મોહનભાઈને રાષ્ટ્રીયતાનો કેટલો રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણી પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતા. તેથી એવો ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જેઓ તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જોકે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો કરતાં સુધારકપણાની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ના પજુસણમાં પજુસણ વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું. એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચારો સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે.” તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણ વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પોષાયો. અને ત્યારથી આજ સુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તો હોય જ, અને બધાં જ વ્યાખ્યાનોમાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિનો ખુલ્લેખુલ્લો વિરોધ ન કરસા, પણ તેમનું વલણ સુધારક વૃત્તિનું જ હતું. તેઓ ઘણી વાર કહેતા કે માત્ર વેષધારીને સાધુ માની પૂજવા અને નભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યું તોપણ મોહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા.