Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 81 પત્રકાર એવું કરી પણ ન શકે. મોહનભાઈ વિશિષ્ટ શૈલીકાર નથી, પરંતુ જેની પાસે કશી જ શૈલી ન હોય એવા લેખક પણ નથી. પોતાના હેતુને અનુરૂપ શૈલી એમણે નિપજાવી લીધી છે ને એમાં થોડું વૈવિધ્ય આવવા દીધું છે. ક્યારેક પોતાની રીતની કંઈક સાહિત્યિકતા અને વાગ્મિતાથી એને સજી છે. મોહનભાઈની વિશિષ્ટ અને વિરલ સાહિત્યિક પ્રતિભાના આ પરિચય પછી એમની ગ્રંથ-લેખ-સૃષ્ટિનો પણ પરિચય મેળવીએ. આકરગ્રંથો મોહનભાઈના ગ્રંથોમાં શિરમોરરૂપ તો છે એમના બે આકરગ્રંથો - જૈન ગૂર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ'. જૈન ગૂર્જર કવિઓ' વિક્રમ બારમા શતકથી વીસમા શતક સુધીના જૈન ગુજરાતી સાહિત્યની સૂચિ છે. એમાં મુદ્રિત સાહિત્યની નોંધ લેવામાં આવી છે ખરી, પણ મુખ્યત્વે તો એ હસ્તપ્રતભંડારોમાં સચવાયેલા જૈન સાહિત્યની સૂચિ છે. મોહનભાઈએ ૧૯૧૧થી આવી યાદી કરવાનું શરૂ કરેલું અને જૈન ગૂર્જર કવિઓ'નો પહેલો ભાગ ૧૯૨૬માં, બીજો ૧૯૩૧માં અને ત્રીજો ૧૯૪૪માં બહાર પડ્યો તે જોતાં મોહનભાઈનો આ જ્ઞાનયજ્ઞ 33 વર્ષ ચાલ્યો કહેવાય. સાહિત્યસૂચિ માટે 250 જેટલા હસ્તપ્રતસંગ્રહો - સંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તો કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા - એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સંદર્ભ આપવા માટે એમણે જે ગ્રંથો, સામયિકોમાંના લેખો વગેરેનો ઉપયોગ કર્યો છે તે બધાંની યાદી કરીએ તો મોહનભાઈએ ઉપયોગમાં લીધેલાં સાધનોનો આંકડો 500 સુધી કદાચ પહોંચી જાય. આનો અને ગ્રંથશ્રેણીનાં 4000 ઉપરાંત પાનાંનો વિચાર કરીએ ત્યારે મોહનભાઈના અસાધારણ શ્રમની કંઈક ઝાંખી થાય. મોહનભાઈનાં શ્રમ અને સૂઝની પૂરી ઝાંખી થવા માટે તો ગ્રંથની સામગ્રીમાં થોડુંક ઊંડે ઊતરવું પડે. મોહનભાઈએ કૃતિઓની માત્ર સૂચિ કરી નથી, વર્ણનાત્મક સૂચિ કરી છે. કૃતિના આરંભઅંતના ભાગો ઉતાર્યા છે - કડ વિસ્તારથી ઉતાર્યા છે એમ કહેવાય. જરૂરી લાગ્યું ત્યાં વચ્ચેના ભાગો વિ.