Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 45 પરંપરાના ગુજરાતી સાહિત્યની પણ ઘણી નોંધ આવી છે.) સમભાવના મુદ્દા પરત્વે મોહનભાઈનો ખુલાસો અત્યંત સ્પષ્ટ છે : “હું કુલધર્મથી શ્વેતામ્બર મૂર્તિપૂજક છું, પણ પૂજ્ય મામાશ્રીને ત્યાં ઊછરેલો ને તેઓ કુલધર્મથી સ્થાનકવાસી, પણ સર્વ ધર્મ પ્રત્યે ઉદાર હૃદયના એટલે તેમના સમાગમથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યે પણ પ્રેમ, ઉદારતા અને સહિષ્ણુતા મારામાં મૂળથી કેળવાયાં છે. વિશાલ દૃષ્ટિથી અવલોકતાં તે સંપ્રદાય માટે ઐતિહાસિક બીના જે કંઈ મળી તે ટૂંકમાં સમભાવે મૂકવામાં આવી છે.” “અલબત્ત તેના મૂર્તિપૂજાનિષેધ આદિ સિદ્ધાંતના ગુણદોષની ચર્ચા આ ગ્રંથમાં કરવી અપ્રસ્તુત છે, તેથી કરી નથી...તેવી વાતો જ્યારે જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ' લખવામાં આવે ત્યારે તેમાં સ્થાન પામી શકે. એવો ઇતિહાસ પ્રકટ થાય તો તે મનોરંજક, બોધદાયક અને શિક્ષાપ્રદ જરૂર બને તેમ છે. કોઈ લેખક અભિનિવેશ-પૂર્વગ્રહ-સ્વસંપ્રદાયમોહને તજી પ્રેમ, ઉદારભાવ અને સહિષ્ણુતાને સજી તેવો ઈતિહાસ લખવા પ્રેરાય એ ઇચ્છીશું.” (નિવેદન, પૃ.૪૧) સ્થાનકવાસી સંપ્રદાયની ટીકા કરતા ઘણા ગ્રંથો મૂર્તિપૂજક પરંપરામાં લખાયેલા છે. મોહનભાઈના ઈતિહાસગ્રંથમાં સ્વાભાવિક રીતે જ એનો ઉલ્લેખ ને પરિચય આવે. એથી કેશવલાલ કામદારને પડી છે તેવી છાપ પડે. ધર્મવર્ધનનાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓ પરનાં “તિરસ્કારસૂચક કવિતો'માંથી બે અને ભાવપ્રભસૂરિના એક સવૈયામાંથી “ગાળોના વરસાદથી લખ્યું છે તે ગાળો કાઢીને થોડુંક મોહનભાઈ ઉદ્ધત કરે છે. (પૃ.૬૫૦ પાદટીપ) પણ મોહનભાઈએ આ ઉદાહરણો આપતી વેળા જે શબ્દો વાપર્યા છે ને જે બાદબાકી કરી છે એ ધ્યાનમાં લીધા વિના કેમ ચાલે? સ્થાનકવાસી સંપ્રદાય પ્રત્યેની જે-તે કવિની અનુદારતા અને વિષવૃત્તિ તથા એ માટેનો મોહનભાઈનો અણગમો એમાંથી સૂચિત થઈ જાય છે. સ્થાનકવાસી પરંપરા પ્રત્યે મોહનભાઈના મનમાં કશો અનાદર હોય એમ માનવા માટે કારણ જણાતું નથી. મોહનભાઈનો તો મનોરથ હતો કે પોતે જૈન સંપ્રદાયોનો સંક્ષિપ્ત ઇતિહાસ લખે. (નિવેદન, પૃ.૪૧) એમના જેવા સ્વસ્થ, સમતોલ, નિષ્પક્ષપાત,