Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 14 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા હયાતીમાં મોટા કુટુંબની આ અને આવી બીજી અનેક ચિંતાઓ સ્વાભાવિક રીતે મોહનભાઈને રહેતી. નિઃસ્પૃહ સાહિત્યસેવાની લગની અને કુટુંબની સંભાળ - આ બેનો મેળ સાધવામાં મોહનભાઈની ઠીકઠીક શક્તિ ખરચાઈ હશે એમ લાગે છે. ૧૯૪૪ના જાન્યુઆરીમાં જ્યારે પંડિત સુખલાલજીએ એમને સૂચવ્યું કે ““તમારી રુચિ, શક્તિ અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે” ત્યારે મોહનભાઈએ આપેલો જવાબ એમની આ મથામણની પિછાન કરાવે છે : “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણી એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.” લથડતી જતી તબિયત અને અવસાન પણ મોહનભાઈની આ ભાવના ફળીભૂત થઈ નહીં. આ અરસામાં જૈન ગૂર્જર કવિઓ'નો ત્રીજો ભાગ તૈયાર થઈ રહ્યો હતો તેમાં એક વિસ્તૃત પ્રસ્તાવના લખવાની એમની ઇચ્છા હતી તે પણ પાર પડી નહીં. મુંબઈનું જીવન તો એમણે છોડવું પડ્યું પણ તે પોતે વિચારેલી વ્યવસ્થાના ભાગ રૂપે નહીં પણ તબિયતને કારણે. તા.૫-૭-૧૯૪૪ના રોજ લખાયેલું “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રીજા ભાગનું ટૂંકું નિવેદન કદાચ મોહનભાઈનું છેલ્લું લખાણ હશે. પ્રસ્તાવના પડતી મુકાઈ અને પહેલા બે ભાગમાં 10-15 પાનાંનાં નિવેદનો લખનાર મોહનભાઈએ ત્રીજા ભાગનું માત્ર દોઢ પાનાનું નિવેદન - જેમાં ઝાઝો ભાગ તો વિષયાનુક્રમનો જ છે - લખ્યું એ એમની લથડતી જતી તબિયતની નિશાની છે. ઑગષ્ટમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એ હાજરી આપે છે, પણ વ્યાખ્યાન આપતા નથી. એમનું શરીર નંખાઈ ગયેલું હોય છે અને એમના સ્નેહીજનોને એમને માટે ચિંતા થાય છે. રાજકોટ મામાને સમાચાર પહોંચે છે કે મોહનભાઈની શરીરની અને મનની અવસ્થા પણ બરાબર નથી એટલે મામા તરત મુંબઈ આવી મોહનભાઈને રાજકોટ લઈ જાય છે. દવાદારૂ શરૂ થાય છે પણ મોહનભાઈની માંદગી ગંભીર સ્વરૂપ લેતી જાય છે. એ ખાવાપીવા, પહેરવા-ઓઢવા જેવાં સઘળાં વર્તનવ્યવહારનું