________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ગોંડલ સંપ્રદાયમાં પંચમ પટ્ટધર આચાર્ય પૂ. શ્રી દેવજીસ્વામીના શિષ્ય બાંધવ બેલડી યશસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. તથા યુગદંષ્ટા પરમ પ્રતાપી તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ.સા. ગુરુવરના પાવન સાન્નિધ્યમાં સંયમસાધના કરી રહ્યા હતા. એકવાર વડીલબંધુ પૂ. જયચંદ્રજી મ.સા. પૂ. દેવજીસ્વામી સાથે ગોંડલ અને લઘુબંધુ પૂ. માણેકચંદ્રજી મ.સા. વેરાવળ ચાતુર્માસ કલ્પ વ્યતીત કરી રહ્યા હતા. આત્મસાધના સાથે શાસન પ્રભાવના કરતાં લગભગ સાડા ત્રણ માસ વ્યતીત થયા.
ગોંડલમાં પૂ. જયચંદ્રજી મ.સા. પ્રાતઃકાલે એક નિર્જન સ્થાનમાં સ્થંડિલભૂમિમાં શૌચ નિવારણ માટે પધાર્યા. તે નિર્જન સ્થાનમાં કોઈ વ્યંતરદેવનો વાસ હતો. મુનિરાજ પોતાની ક્રિયા પૂર્ણ કરી બહાર નીકળી રહ્યા હતા, ત્યાં જ કોઈ અદશ્યશક્તિ દ્વારા તેઓના શરીર પર જોરદાર પ્રહાર થયો અને કાયા નીચે ઢળી પડી. શરીરે હોશ ગુમાવી દીધી. તેઓ કાષ્ટવત્ નિશ્ચેષ્ટ બની ગયા.
ધર્મસ્થાનકમાં બિરાજમાન પૂ. ગુરુદેવ વૃદ્ધ હતા. શિષ્ય સ્થંડિલભૂમિથી પાછા ફર્યા નથી. શું કરવું ? સ્વયં જઈ શકે તેમ ન હતા. આમ ને આમ ચિંતા કરતાં બે-ત્રણ કલાક વ્યતીત થયા. ત્યાં એક ખેડૂત ઉપાશ્રયમાં આવ્યો અને કહ્યું, “તમારા પૂજ (સાધુ) મામાના કોઠા પાસે ઢળી પડ્યા છે. તમારા વાણિયાના ગુરુ છે તેથી તમોને સમાચાર આપું છું.”
ખેડૂતની વાત સાંભળીને શ્રાવકો તુરંત ત્યાં પહોંચી ગયા. મુનિરાજના શરીરની સ્થિતિ શૂન્યવત્ હતી. શું કરવું તે કાંઈ સમજાયું નહીં, તેથી જ તે હાલતમાં જોળીમાં ઉપાડીને ઉપાશ્રયમાં ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત કર્યા. પૂજ્ય ગુરુદેવ વૃદ્ધ અને અનુભવી હતા. જોઈને તુરંત જ તેઓ પરિસ્થિતિને પામી
(૩૫)
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
ગયા. આ કોઈ શારીરિક બીમારી નથી. આ દૈવી ઉપસર્ગ છે. ક્યારેક પૂર્વભવના વૈર કે ઈર્ષ્યાના કારણે દેવો પોતાની શક્તિથી મનુષ્યોને કોઈપણ પ્રકારે પીડિત કરી શકે છે. જે સાધક કર્મસિદ્ધાંતને સમજે છે તે કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ચલવિચલ થયા વિના, નિમિત્તને દોષ આપ્યા વિના જ સ્વસ્થતાથી તેના નિવારણનો ઉપાય કરે છે.
આચાર્યશ્રીએ વિચાર્યું કે આ પ્રસંગે તપસ્વીજીની જ આવશ્યકતા છે. વેરાવળ સમાચાર આપો કે ગુરુની આજ્ઞાથી આપ શીઘ્ર ગોંડલ પધારો. શ્રાવકોએ વેરાવળ પૂ. તપસ્વીજી મ.સા. ને સમાચાર આપ્યા તપસ્વીજી મ.સા.ને તો આગલી રાતથી જ સંકેત મળી ગયો હતો. તેમણે રાત્રે જ શ્રાવકોને વિહારનો સંકેત આપ્યો હતો. ગુરુઆજ્ઞાથી પૂ. તપસ્વીજી મ.સા. એ વેરાવળથી ગોંડલ સુધીનો ૧૧૦ માઈલનો વિહાર માત્ર ચાર કલાકમાં જ લબ્ધિથી પૂર્ણ કરી ગુરુ ચરણોમાં ઉપસ્થિત થઈ ગયા.
જ્યાં નિશ્ચેષ્ટ અવસ્થામાં વડીલ ગુરુબંધુ સૂતા હતા ત્યાં ગયા, રૂમના દરવાજા બંધ કરાવ્યા ને મુનિરાજ ઉ૫૨ ત્રણવાર રજોહરણ ફેરવ્યો. ત્યાં જ અવાજ આવ્યો, મને છોડો... મને છોડો... તપસ્વીજી મ.સા. એ વીરતાપૂર્વક તે અદૃશ્ય શક્તિ સાથે વાર્તાલાપ શરૂ કર્યો, “કઈ રીતે છોડું ? પહેલાં પણ તે કેટલાય નિર્દોષ વ્યક્તિઓને આ રીતે પરેશાન કર્યા હશે..." પેલો અંતર કરગરવા લાગ્યો, હવે હું કોઈને હેરાન કરીશ નહીં મને છોડો...
તપસ્વીજી મ.સા. એ ધમકી આપીને કહ્યું કે તને છોડીને શું કરવું ? શું બીજા જીવોને ભોગ લેવા માટે મારે તને છોડવો ? તેના કરતાં તને શીશામાં ઉતારી દેવો તે જ શ્રેષ્ઠ છે.
બિચારો વ્યંતર દેવ થરથર ધ્રૂજવા લાગ્યો. આજ સુધી ઘણાને હેરાન
(૩૬)