________________
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો)
દટવીર્યમુનિનું કથાનક
- શ્રી ખીમજી છાડવા
(જૈનદર્શનના અભ્યાસુ ખીમજીભાઈ છાડવા બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ તથા તારદેવ જૈન ઉપાશ્રયના ટ્રસ્ટી છે. જૈન શિક્ષણ તથા જ્ઞાનસત્રોના આયોજનમાં રસ ધરાવે છે.)
જૈન કથા સાહિત્ય વિવિધ પ્રકારે આલેખાયું છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં ધર્મકથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. જેમકે, (૧) આક્ષેપણી કથા : જે કથાઓ જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે
(૨) વિક્ષેપણી કથા : જે કથા સન્માર્ગની સ્થાપના કરતી હોય. (૩) સંવેદની કથા જે કથા જીવનની નશ્વરતા, દુઃખ બહુલતા અને શરીરની
અશુચિતા બતાવીને વૈરાગ્ય ઉત્પન્ન કરતી હોય. (૪) નિર્વેદની કથા : જે કથા કૃત કર્મોના શુભાશુભ ફળ બતાવીને સંસાર
પ્રતિ ઉદાસીનતા બતાવે છે.
આ ચાર પ્રકારની કથાના બીજા ચાર ચાર પ્રભેદ પણ બતાવ્યા છે. આમ, કથાસાહિત્યમાં ધર્મકથા જીવનનું આમૂલ પરિવર્તન કરનારી શ્રેષ્ઠતમ કથા છે.
આગમ સાહિત્યમાં આવતી કથાઓનું પાત્રોની પ્રધાનતાની દૃષ્ટિએ પણ વિભાજન કરવામાં આવ્યું છે. જેમકે, ઉત્તમ પુરુષોના કથાનકો, શ્રમણ કથાનકો, શ્રમણોપાસક કથાનકો. નિન્દુવ કથાનકો વગેરે વગેરે. આ કથાનકોમાં મુખ્ય વિષય તરીકે તીર્થકરોના ચરિત્ર, શ્રમણ ભગવંતની સંયમ સાધના, પરિષહ જય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન વગેરેને દર્શાવ્યા છે.
(૧૧૩)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો) આ કથાઓનો વિકાસ પણ મનોવૈજ્ઞાનિક ઢબે થયો છે. કથાના વિકાસનું પ્રથમ સ્તર અસંભવથી દુર્લભતરફ જવાનું છે. આગમકથા કહે છે કે, સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવી અસંભવિત છે. તેથી મુક્તિ પ્રત્યે ઉત્કંઠા જાગે છે ત્યારે કથા સાંભળનાર પૂછે છે કે શું સાચે જ સંસારીને મુક્તિ મળતી નથી ? તેના ઉત્તરમાં કથાકાર કહે છે કે ના, એ વ્યક્તિ તીર્થકર જેવું કોઈ તપ કરે તો તેને મુક્તિનો અનુભવ થાય છે, આથી મુક્તિ અસંભવિત સ્થિતિમાંથી દુર્લભ સ્થિતિમાં આવી જાય છે. આ તીર્થકરોનું જીવન પ્રસ્તુત કરવાની ભૂમિકા છે.
આ પછી અપૂર્વ વૈભવનો ત્યાગ, કષ્ટપદ વ્રતોનું પાલન, તપશ્ચર્યા, ધ્યાન અને યોગ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિની કથા મુક્તિમાર્ગને દુર્લભમાંથી સંભવિતની કોટિમાં લાવે છે. આ કથાના વિકાસનું બીજું સ્તર છે. આને મુનિધર્મના વિવેચન માટેની ભૂમિકાની સંજ્ઞા આપી શકાય.
મુક્તિ તપશ્ચર્યાથી સંભવિત છે, આ વાત સમજમાં આવ્યા પછી એ તપશ્ચર્યાને સંભવિતમાંથી સુલભ દર્શાવવા માટે બીજી કથાઓ કહેવામાં આવે છે. નૈતિક આચરણ, કર્મસિદ્ધાંત વગેરે કથાઓ મુક્તિને સંભવિતમાંથી સુલભ બનાવીને તેમાં જન સમુદાયની રુચિ ઉત્પન્ન કરે છે. આને કથાના વિકાસની ત્રીજી અવસ્થા કહી શકાય.
કથાના વિકાસની ચોથી અવસ્થા પ્રતિપાદ્ય વિષયને સુલભમાંથી અનુકરણીય બનાવવાની પ્રવૃત્તિની સાથે સંબંધિત છે. આ ભૂમિકા પર કથાકાર કહે છે કે, તમે જુઓ, સાધુ-ભગવંત, શ્રાવક કે મુનિએ આ પ્રમાણે કર્યું અને તેનું આ ફળ મેળવ્યું. તમે પણ આમ કરશો તો તમને પણ આવું આવું ફળ
મળશે.
જૈન આગમોમાં અધિકાંશ કથાઓ આ જ પ્રકારની છે. આ કથાના
(૧૧૪)