________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
લાગ્યા. ત્યારે સાધુએ કહ્યું કે, “મારે ખૂબ અગત્યનું કામ હોવાથી અત્યારે હું જઈ રહ્યો છું. ફરી આવીશ, અત્યારે મને રોકશો નહીં.’ ફરી શ્રાવકોએ કહ્યું કે, “અત્યારે મધ્યાહ્ન સમય થયો છે તેથી આપ ગૌચરી-પાણીનો લાભ આપો પછી આપ જાવ.” તે સમયે દેવે પોતાની શક્તિથી નાના બાળકો બનાવ્યા, તેઓ આચાર્યની ઝોળી ખેંચવા લાગ્યા. ખેંચાખેંચીમાં ઝોળીની ગાંઠ છૂટી જતાં પાતરાની અંદરથી ઘરેણાં બહાર પડ્યા. એ જોઈ શ્રાવકો કહેવા લાગ્યા કે આ સાધુ નહીં ઠગ લાગે છે. ઘરેણાં જુઓ તે ક્યાંથી લાવ્યો છે ? ત્યાં વળી બીજો શ્રાવક બોલ્યો, “અરે ! આ તો પૃથ્વીકાયના ઘરેણાં લાગે છે. તે છ છોકરા આજ સવારથી ખોવાયા છે.’” ઘરેણાં જોઈ મા-બાપ છાતી કૂટીને રોવા માંડ્યા. આચાર્યને કહેવા લાગ્યા કે “બોલ, ધૂર્ત અમારા બાળકો ક્યાં સંતાડ્યા છે ?” આ સાંભળી આચાર્યને શરમ આવી, મનોમન પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે મને એવી કેવી કુબુદ્ધિ સૂઝી કે મેં બાળકોની હત્યા કરી ! હવે હું આ લોકોને શું જવાબ આપીશ ! અરે ! પૃથ્વી, મને જગા આપ, હું અંદર સમાઈ જાઉં. હે ભગવાન મને અરિહંત, સિદ્ધ, સાધુનું શરણું હોજો . જો આ આફતથી હું મુક્ત થાઉં તો સાધુપણામાં વિચરીશ.
દેવે સાધુની આંખમાં લજ્જા જોઈ, અંતરનો પશ્ચાત્તાપ જોયો. આથી માયા પાછી ખેંચી પ્રગટ થયા, કહેવા લાગ્યા કે, “મહારાજ ! આપે ઉતાવળ કરી. હું આપનો શિષ્ય દેવ થયો છું. દેવલોકના હાવ-ભાવ જોતાં એક ક્ષણ થઈ પણ મૃત્યુલોકનો ઘણો સમય પસાર થઈ ગયો.” ગુરુને પૂછ્યું, “તમે નાટક કેટલીવાર જોયું ?’” ત્યારે આચાર્યે કહ્યું, “બે ઘડી.” દેવે કહ્યું, “સૂર્યનું માંડલુ જુઓ,’’ તે જોતાં છ મહિના પૂર્ણ થયેલા જોઈ આચાર્ય આશ્ચર્યચકિત થયા ને વિચાર્યું કે દેવલોકમાં નાટક જોતાં આટલો સમય ચાલ્યો જતો હશે તેથી
(૨૧૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
મરી ગયેલા દેવલોકમાંથી તુરત નહીં આવી શકતા હોય. ત્યારબાદ દેવે તેમને એ સમજાવ્યું. અષાડાભૂતિ આચાર્યને જિનેશ્વર દેવના વચનો પર ફરી શ્રદ્ધા થઈ. પોતાની ભૂલ પર ભારોભાર પશ્ચાત્તાપ થયો. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરી ‘મિચ્છામિ દુક્કડં’ લઈ ફરીથી ચારિત્ર અંગીકાર કર્યું. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ રત્નત્રયનું પાલન કરી સદ્ગતિ પ્રાપ્ત કરી.
આમ, દર્શન પરિષહ આવતા પ્રથમ થોડા ચલિત થઈ ગયા, પરંતુ સમય જતાં સાવધ થઈ જઈ પોતાના આત્માનું કલ્યાણ કર્યું. આ કથા પરથી એ બોધ મળે છે કે આવેલા પરિષહોમાં જાગૃત રહી, ધર્મની આરાધના કરવામાં આવે તો આત્માનું કલ્યાણ થઈ શકે છે.
(૨૧૨)