________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
વિલાસને છોડી આત્મસાધનામાં લીન રહે છે. દર્શન-જ્ઞાનને પૂર્ણરૂપથી ચારિત્રમાં ઉતારે છે. તેમની કથની અને કરની હંમેશાં અદ્વૈતવાદી હોય છે. આ મહાવ્રતી સાધુ દરેક કષ્ટને કર્મનો ઉદય સમજી સમભાવથી સહન કરે છે, પરંતુ ક્યારેય શરીરથી કે મનથી કોઈનો હિંસક પ્રતિકાર કરતા નથી અને ક્યારેય કર્તા પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી.
તેમનું ચારિત્ર્ય જ સંદેશ આપે છે કે ધર્મ માટે મરી તો શકાય છે, પણ અધર્મથી જીવી તો ન જ શકાય.
સંદર્ભ : પૂ. યશોવિજયજીનું જ્ઞાનસાર, નવતત્ત્વ દીપિકા તથા જૈન આગમો
(૨૦૭)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
દર્શન પરિષહ ઉપર અષાડાભૂતિ આચાર્યની કથા - પારુલબેન ભરતકુમાર ગાંધી
(રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ પારૂલબહેન જૈનશાળાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેમના ત્રણ પુસ્તકો પ્રગટ થયા છે.)
પૃથ્વીપુર નગર વિષે શિષ્યો સહિત અષાડાભૂતિ આચાર્ય વિચરતા હતા. દર્શન મોહનીય કર્મના ઉદયે તેમને સમકિતમાં શંકા પડી કે મહાવિદેહના તીર્થંકરો દેખાતા નથી, હવે પછી તીર્થંકર થશે કે કેમ તે કોણ જાણે ? સાધુ મરીને દેવલોકમાં જતા હશે કે કેમ ? દેવલોક પણ હશે કે કેમ ? આમ બધી બાબતમાં શંકા થતી. તેથી તેમના એક સાધુએ સંથારો કર્યો ત્યારે તેમને કહ્યું કે જો તું દેવલોકમાં જાય તો જરૂર મને કહેવા આવજે, પણ કાળ કરી ગયા પછી ઘણા સમય સુધી તે આવ્યો નહિ. ત્યારબાદ અનુક્રમે લગભગ ત્રણ સાધુએ સંથારો કર્યો. બધાને ઉપર મુજબ કહેલ પણ કોઈ આવ્યું નહીં. પોતાના પ્રિય શિષ્યનો સંથારો થયો ત્યારે તેને પણ કહેલ. તે પણ ન આવ્યો.
આથી તેમના મનમાં દઢપણે એ વાત બેસી ગઈ કે સ્વર્ગ, નરક, પુનર્જન્મ વગેરે કશું જ નથી. મેં સાધુપણામાં આટલા વર્ષો નિરર્થક ગુમાવ્યા. લાવ, હવે હું સંસારમાં પાછો જાઉં. આથી સાથેના સાધુઓને આજ્ઞા આપી કે તમે અહીંયા જ રહો. મારે અગત્યનું કામ છે તેથી હું એકલો બીજે ગામ જઉં છું. આમ કહી પોતે પોતાના ઘર તરફ ગયા. આ બાજુ તેમનો પ્રિય શિષ્ય જે મૃત્યુ પછી દેવ થયેલો તેણે અધિજ્ઞાનથી જોયું કે પોતાને તારનાર ગુરુ તો સાધુપણું મૂકી સંસારમાં જવા તૈયાર થયા છે. ભગવાનના વચનોમાંથી જેમની શ્રદ્ધા ઊઠી ગઈ છે તે તુરત જ તો પાછા ફરશે નહિ એમ વિચારી તેણે તેના લજ્જા, દયા અને બ્રહ્મચર્ય ગુણની પરીક્ષા કરવા વિચાર્યું. તેને થયું કે જો (૨૦૮)