________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
જિનકલ્પીપણું સ્વીકારી એકલા વિહાર કરવા લાગ્યા. વિહાર કરતા તેઓ કાંચીપુરી આવી પહોંચ્યા. બપોરના સમયે મુનિ ગોચરી માટે ગામમાં ફરતા હતા. રાજા અને રાણી રાજમહેલના ગોખમાં બેઠા હતા તે વખતે સુનંદાની નજર ભિક્ષા અર્થે ફરતા મુનિ પર ગઈ. તપશ્ચર્યાથી એમનું શરીર કૃશ થયેલું હતું. ઉનાળાની ઋતુમાં, આવા તાપમાં ગૌચરી માટે ફરતા ભાઈને જોઈ રાણીના આંખમાં અશ્રુ આવ્યા. રાજાએ જ્યારે જોયું કે મુનિને જોઈને રાણીના આંખમાં અશ્રુ આવે છે તો જરૂર તે મુનિને અને રાણીને કાંઈક આગળ અનિષ્ટ સંબંધ હશે જ. એવો વિચાર રાજાના મનમાં આવ્યો. પૂર્વ જન્મના વેરભાવને લીધે રાજાને મુનિ પર રોષ આવ્યો. પોતાના સેવકોને બોલાવી આજ્ઞા કરી કે આ સાધુના માથાથી તે પગ સુધી અખંડ ચામડી ઉતારી તેને મારી નાખો.
રાજાની આજ્ઞા થતાં જ સેવકોએ ભિક્ષાર્થે જતા મુનિને પકડી તીક્ષ્ણ હથિયાર વડે મુનિની મસ્તકથી તે પગ સુધી ચામડી ઉતરડી નાખી. એ વખતે મુનિએ મહાવેદના ભોગવી પણ સમતાભાવે રાજાનો, રાજસેવકોનો કે કોઈનો દોષ ન વિચારતા, પોતાના પૂર્વકૃત કર્મોનો દોષ વિચાર્યો. કાયાને વોસીરાવી દીધી. ક્ષપક શ્રેણીએ ચડી શુકલધ્યાન ધ્યાવતા અંતકૃત કેવળી થઈ સ્કંદક મુનિએ સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. રાણીને ખબર પડી કે જે મુનિની હત્યા થઈ તે ભાઈ મુનિ જ છે. તે જાણી અત્યંત રુદન કરવા લાગી. સાચી વાતની રાજાને ખબર પડી કે માત્ર અનુમાનથી જ એણે મુનિની ઘાત કરાવી છે ત્યારે તેને પણ અત્યંત ખેદ થયો.
એક વખત જ્ઞાની ગુરુ ત્યાં પધાર્યા. તેમને વંદન કરવા રાજા રાણી ગયા. ધર્મદેશના શ્રવણ કર્યા પછી રાજાએ પોતાના ગૃહસ્થાશ્રમના સાળા સ્કંદક મુનિની ખાલ ઉતારવાનું પાપ કેમ થયું તે પ્રશ્ન પૂછતા જ્ઞાની ગુરુએ જવાબ
(૧૫૧)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
આપ્યો. આ ભવ પહેલાના એક હજારમાં ભવમાં સ્કંદક મુનિનો જીવ રાજકુમાર તરીકે હતો અને રાજાનો આત્મા કોઠીંબા તરીકે હતો. રાજકુમારે તે કોઠીંબાને લઈ પોતાના મિત્રો સહિત કોઠીંબાની અખંડ છાલ ઉતારી અને પોતે પોતાની આવડત માટે ગર્વ કર્યો. એ ગર્વના પરિણામે કોઠીંબાના જીવ સાથે તે રાજકુમારના જીવને વૈર બંધાયું તે વૈર હજાર ભવ પછી ઉદયમાં આવ્યું. તે રાજકુમારના જીવ તે મુનિ સ્કંદક કુમાર અને કોઠીંબાનો જીવ તે રાજા. તેણે કોઠીંબાની છાલ ઉતારી તો તેની ચામડી આ જન્મમાં રાજાએ ઉતરાવી. કરેલા કર્મ કોઈને છોડતા નથી. તીર્થંકરોને પણ ભોગવવા જ પડે છે. એટલે ક્યારેય
કોઈ સાથે વેર ન કરવું. જ્ઞાની ગુરુનો આ ઉપદેશ સાંભળી રાજા-રાણી વૈરાગ્ય પામી, દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું.
‘ઉપસર્ગ’ નું બીજું કથાનક છે સતી સુભદ્રાનું.
વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. જિનદાસ નામનો શ્રાવક એનો મંત્રી હતો. એની તત્ત્વમાલિની નામે ધર્મપત્ની હતી. તેની કૂખે અત્યંત સ્વરૂપવાન એવી સુભદ્રાનો જન્મ થયો. બાલ્યાવસ્થાથી જ એને એના માતાપિતાએ જૈનધર્મના સંસ્કાર આપ્યા હતા. તેથી તે જૈન ધર્માનુરાગી તેમજ ધર્મમાં દઢ શ્રદ્ધાવાળી બની. યોગ્ય ઉંમરની થતા જિનદાસ એના માટે યોગ્ય વર શોધવા લાગ્યા. જિનદાસ મંત્રી પોતાની પ્રિય પુત્રીને જૈનધર્મ સિવાય અન્ય ધર્મીને ત્યાં આપવા ઇચ્છતા ન હતા.
એક વખત ચંપાનગરીથી એક બૌદ્ધધર્મી બુદ્ધદાસ નામનો વ્યાપારી વસંતપુરમાં આવ્યો. ત્યાં સુભદ્રાને જોઈ મોહ પામી જિનદાસ પાસે સુભદ્રા સાથે પાણિગ્રહણની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ જિનદાસે અન્ય ધર્મી સાથે સુભદ્રાને પરણાવવાની ના પાડી. સુભદ્રાને જ પરણવાની ઇચ્છાવાળા બુદ્ધદાસે ઉપાશ્રયમાં
(૧૫૨)