________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
અંગદેશમાં આવેલી ચંપાપુરી નગરીમાં સુદર્શન શેઠ વસતા હતા. તેમની પત્નીનું નામ મનોરમા હતું. ચંપાનગરીના રાજા દધિવાહન અને તેની રાણીનું નામ અભયા હતું. સુદર્શન શેઠને ચંપાનગરીના રાજપુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. પુરોહિત ગુણાનુરાગી હતો. તે સુદર્શનશેઠના શીલ, ગંભીરતા, બુદ્ધિમતા વગેરે ગુણોથી મુગ્ધ બની ગયો હતો. આથી તે સુદર્શન શેઠ સાથે જ મોટાભાગનો સમય વિતાવતો હતો. પુરોહિતની પત્ની કપિલાએ જ્યારે પુરોહિતના મુખેથી સુદર્શન શેઠના રૂપ-ગુણ, શીલની પ્રશંસા સાંભળી ત્યારે કપિલા સુદર્શન શેઠ પ્રત્યે કામઆસક્ત બની ગમે તે રીતે સુદર્શન શેઠ સાથે સંબંધ બાંધવા આતુર બની, પરંતુ આ કામ કંઈ સહેલું ન હતું. રાજાના હુકમથી પુરોહિતને અચાનક બહારગામ જવાનું થયું. કપિલા આ અવસરનો લાભ લેવા સુદર્શન શેઠ પાસે ગઈ અને પુરોહિત અત્યંત બીમાર હોઈ આપને બોલાવે છે એમ કહી સુદર્શન શેઠને ઘેર બોલાવી લાવી. ઘરમાં છેલ્લા ઓરડા સુધી લઈ જઈને દરવાજો બંધ કરી દીધો અને સુદર્શન શેઠ પાસે કામક્રીડાની માંગણી કરી. સુદર્શન શેઠ બધી વસ્તુ સમજી ગયા. તેઓ સ્ત્રી હઠને સારી રીતે સમજતા હતા. તેથી કપિલાને સમજાવાથી તે માનશે નહીં તેવું વિચારીને સુદર્શન શેઠે કપિલાને કહ્યું, “તેં બહુ મોટી ભૂલ કરી છે. હું તો નપુંસક છું, તારી ઇચ્છા કેવી રીતે પૂરી કરી શકું ? તું છેતરાઈ છે. કપિલાએ આ સાંભળી સુદર્શન શેઠને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂક્યા. સુદર્શન શેઠે ફરી કદી આવું ન બને તે માટે કોઈના ઘરે ભવિષ્યમાં એકલા ન જવું તેવી પ્રતિજ્ઞા કરી.
એકવાર દધિવાહન રાજાએ ચંપાનગરીમાં ઈન્દ્ર મહોત્સવ યોજ્યો. તેમાં સુદર્શન શેઠની પત્ની મનોરમા પોતાના છ પુત્રો સાથે આવેલી હતી. કપિલાએ તેને જોઈને રાણી અભયાને કહ્યું કે, આ મનોરમા સ્વછંદી છે, કારણ કે એનો પતિ તો નપુંસક છે... આ વાત સાંભળી રાણી ખડખડાટ હસી
(૧૯૫)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
પડી. તેણે કહ્યું કે સુદર્શન નપુંસક પરસ્ત્રી માટે છે કારણ કે તે પૂરેપૂરો સદાચારી છે. સ્વસ્રી સિવાય તે બીજી સ્ત્રીનો મનમાં પણ વિચાર કરતો નથી. માટે તું છેતરાઈ છે. કપિલાએ રાણીને પોતાની સાથે બનેલી વાત અથથી ઈતિ કહી. તેના મનમાં ઈર્ષ્યા જન્મી. તેણે રાણીને સુદર્શન શેઠ સાથે સંબંધ બાંધવા માટે ચેલેન્જ કરી. રાણીએ ચેલેન્જ ઉપાડી લીધી અને પોતાની દાસી પંડિતાને વાત કરી. સુદર્શન શેઠને હવે છેતરીને રાજમહેલમાં એકલા લાવી શકાય તેમ ન હોવાથી પંડિતા અવસરની રાહ જોવા લાગી.
ચંપાનગરીમાં કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. આ મહોત્સવ જોવા નગરની પ્રત્યેક વ્યક્તિએ આવવું તેવું ફરમાન રાજાએ કરાવ્યું. તે દિવસે ધાર્મિક પર્વ હોવાથી સુદર્શન શેઠે રાજા પાસેથી પૌષધવ્રત માટે અનુજ્ઞા મેળવી લીધી. નગરમાં એક એકાંત સ્થળે સુદર્શનશેઠ પૌષધવ્રત લઈ કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. રાણીની દાસી પંડિતાને આ વાતની જાણ થઈ તેથી અવસરનો લાભ લેવાનું નક્કી કરી રાણીને પણ ઉત્સવમાં ન જતાં મહેલમાં જ રહેવાનું જણાવ્યું. રાણી રાજા પાસે માથું દુ:ખવાનું બહાનું કાઢી મહેલમાં રહી. પંડિતાએ કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા સુદર્શન શેઠને કપડામાં લપેટ્યા અને આ મૂર્તિ છે એમ કહી સેવકો દ્વારા ઉપડાવીને મહેલમાં લાવી મૂક્યા. પંડિતા ત્યાંથી ચાલી ગઈ. રાણી અભયાએ પહેલા કામ સંબંધ માટે વિનંતી કરી, ત્યારબાદ સમજાવ્યા, ત્યારબાદ અડપલા શરૂ કર્યા પરંતુ સુદર્શન શેઠના રોમમાં પણ તેની અસર ન થઈ. તેઓ નિર્વિકાર અને મેરુની જેમ અડગ રહ્યા. જ્યારે રાણીએ ભયંકર કુટિલતા આદરી ત્યારે સુદર્શન શેઠે મનથી પ્રતિજ્ઞા કરી કે, ‘જ્યાં સુધી આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ પૂરો ન થાય તો મારે અનશન હો.’ આ પ્રતિજ્ઞાના પાલન માટે તેઓ ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. આખી રાત અભયાએ ઘણા પ્રકારે સુદર્શન શેઠને ચલિત કરવા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ
(૧૯૬)