Book Title: Upsarg Ane Parishah Pradhan Jain Kathanak
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 97
________________ ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો અટવી પાર કરતા પિતામુનિના પગમાં કાંટો વાગ્યો. કાંટો બહુ તીક્ષ્ણધારદાર હતો. પગમાં ખૂબ જ ઊંડો પેસી ગયો હતો. એક ડગલું પણ તેઓ આગળ વધી શકે તેમ ન હતા. તેઓ અટવીમાં જ એક વૃક્ષ નીચે બેસી ગયા. સહુ શ્રમણોએ ભેગા મળીને મુનિને કહ્યું, “મુનિવર આ અટવી જંગલી પશુઓથી ભરેલી છે. અહીં એકલા રહેવામાં જોખમ છે. અમે સહુ મુનિઓ તમને વારાફરતી ઉપાડી લેશું. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” મુનિ બોલ્યા, “બંધુવરો ! તમે તમારી લાગણી પ્રદર્શિત કરી, તેનો હું અત્યંત ઋણી છું. પરંતુ હું હવે અત્યંત અશક્ત છુ. તમે મને વહન કરવા જશો તો તમે પણ આ અટવીમાં હેરાન થશો. માટે મારી ચિંતા ન કરો. હું હવે અહીં જ રહીશ. હું અનશન કરીશ. મારા આત્માનું કલ્યાણ કરીશ.” હસ્તિમિત્રએ સહુને ખમાવીને વિદાય આપી. પોતે ધીરેધીરે પાસે રહેલી એક ગિરિકંદરામાં ગયા. ત્યાં જઈ તેમણે ચાર આહારના ત્યાગ સાથે અણસણ સ્વીકાર્યું. પિતામુનિને છોડીને પુત્ર હસ્તિભૂતિનું મન આગળ જવા માનતું ન હતું. એણે મુનિઓને પ્રાર્થના કરી, “તમે સહુ મને રજા આપો તો હું પિતામુનિની સેવામાં રહું.’’ મુનિઓએ તેમને સમજાવીને સાથે લીધા. થોડે સુધી હસ્તિભૂતિ સહુની સાથે ચાલ્યા. સહુ સાધુઓ ઝડપથી ચાલતા હતા ત્યારે હસ્તિભૂતિ ધીરે ચાલતા હતા. પિતાને છોડીને આગળ જવા માટે કોઈ હિસાબે મન માનતું ન હતું. અંતે સહુને છેતરીને હસ્તિભૂતિ પાછા પિતાની પાસે આવી ગયા. પિતામુનિએ કહ્યું, “વત્સ ! તું કેમ પાછો આવ્યો ? આ અટવીમાં તારો નિર્વાહ કઈ રીતે થશે ? અહીં ભિક્ષાચર્યા કઈ રીતે કરીશ ? ભિક્ષા વિના (૧૯૧) (ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો ઉદરભરણ કેમ થશે ? અન્યથા તારું મૃત્યુ થઈ જશે. હજી ઝડપથી પાછો જા. સહુ સાધુઓની સાથે જોડાઈને આ અટવીનું ઉલ્લંઘન કરી જા.” પુત્રએ કોઈ જવાબ ન આપ્યો. પિતાની પીડા ખૂબ વધી ગઈ. એ જ દિવસે હસ્તભૂતિ મુનિ કાળધર્મ પામ્યા. તેઓ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. હસ્તિભૂતિ પિતામુનિની વાત વિચારતા બેઠા છે. એને ખ્યાલ નથી કે પિતામુનિ કાળધર્મ પામ્યા છે. એ તો એમ જ સમજે છે કે વેદના અને પીડાથી પીડિત થયેલા પિતામુનિ આરામ કરી રહ્યા છે. દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયેલા પિતામુનિએ અવધિજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. ‘હું ક્યાંથી આવ્યો ? મેં પૂર્વભવમાં શું દાન દીધું અને કયું તપ તપ્યું ? જેના કારણે હું દેવલોકમાં ઉત્પન્ન થયો.' અવધિજ્ઞાનથી જોતા એમને પોતાના આગલા ભવનું મુનિપણાનું શરીર દેખાયું. પાસે બેઠેલા પુત્ર હસ્તિભૂતિને જોયો. ઘોર અટવીમાં ભોજન – પાણી વાપર્યા વગર ક્ષુધા પરિષહને સહન કરતા પુત્રમુનિને જોઈને દયા આવી. હસ્તિમિત્ર દેવ નીચે આવ્યા, અને પોતાના પૂર્વજન્મના શરીરમાં પ્રવેશ કર્યો. હસ્તિભૂતિ કલાકો સુધી એમને એમ બેઠા હતા. ભૂખ ઘણી લાગી હતી. સામે વૃક્ષો હતા. વૃક્ષો ઉપર જાતજાતના પાકાં ફળો લટકતા હતા. પરંતુ હસ્તિભૂતિએ ફળો તોડવાનો વિચાર સુધ્ધા ન કર્યો. ગમે તેવી ભૂખ લાગી હોય તોય સાધુ પોતે ફળ તોડે નહિ. બીજા પાસે તોડાવે નહિ, સાધુ જાતે રસોઈ બનાવે નહિ, બીજા પાસે બનાવડાવે નહિ... એવા સાધુના આચારમાં તેઓ મક્કમ રહ્યા. ક્ષુધા પરિષહને તેઓ સમતાભાવે સહન કરતા હતા. ત્યાં આળસ મરડીને પિતામુનિ બેઠા થયા. (૧૯૨)

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109