________________
ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
નયનોના કટાક્ષબાણથી વીંધી રહ્યા છે. સમયસુંદર મુનિ કે જેમણે કોશા - સ્થૂલિભદ્રજીનું કાવ્યું લખ્યું છે તે અહીં લખે છે કે કોશાના આ ઉપસર્ગનો પ્રતિકાર કરવાનું કોઈપણ પુરુષ માટે શક્ય નથી. કોઈપણ પુરુષ ઊભો થઈને કોશાને બાહુમાં લઈ લે. પરંતુ, આ મહાત્મામાં વિકારની એક લહર પણ ઉત્પન્ન નથી થઈ. મુનિ મેરુ પર્વતની જેમ અડગ બેઠા છે. ખરેખર, કામવિજેતા બન્યા છે. કોશા થાકી ગઈ, હારી ગઈ ને મૂર્છા ખાઈને ઢળી પડી.
હજુ કોશાએ પરાજય નથી સ્વીકાર્યો. હવે તેણે રીત બદલી. સ્થૂલિભદ્રજી પાસે બેસીને ૧૨ વર્ષમાં બન્નેએ સાથે વીતાવેલી ક્ષણોનું ઝીણામાં ઝીણું વર્ણન કરે છે. બધું જ યાદ કરાવે. મધુર સંસ્મરણો વાગોળે છે, પણ સ્થૂલિભદ્રજી ચળ્યા નહીં - અડગ રહ્યા. આમ, ત્રણ મહિના વહી ગયા.
અંતે હારી ગયેલી કોશા મુનિના ચરણોમાં ઢળી પડે છે. આક્રંદ કરે છે. તમે કેમ મારો સ્વીકાર નથી કરતા ? તમે કેમ આવા નિષ્ઠુર બની ગયા હું તમારા વગર નહીં જીવી શકું. મને સ્વીકારી લો...'
સ્થૂલિભદ્રજી હવે પ્રથમવાર કોશાને કહે છે કે તું આમ દુ:ખી ન થા. હું મારા ગુરુજીના સાન્નિધ્યમાં શાસ્ત્રો ભણ્યો એમાંથી જે સત્ય મને પ્રાપ્ત થયું તે સત્ય તને સમજાવવા જ હું પાછો આવ્યો છું. બીજું કોઈ પ્રયોજન નથી. અને સત્ય એ છે કે તને મારા પ્રત્યે જે રાગ છે, મોહ છે, મને પણ તારા પ્રત્યે હતો તે બધું જ અજ્ઞાન છે. અસત્ય છે. સત્ય તો એ છે કે સંસારમાં દરેક આત્મા એકલો છે. એકલો આવે છે અને એકલો જાય છે. કોઈ કોઈનું નથી. આથી દરેક વ્યક્તિએ પોતાના આત્માને સાચો પ્રેમ કરવો જોઈએ. આત્માને કર્મ બંધનોથી મુક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ જ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મુનિની વાતો કોશાની સમજમાં ઉતરવા લાગી. એને અંદરથી શાંતિનો અનુભવ થવા લાગ્યો.
(૧૮)
(ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈન કથાનકો
કોશા સાદા વસ્ત્રો પહેરી મુનિ પાસે બેસતી. મુનિ સમજાવે છે કે આપણે બાર-બાર વર્ષ સુધી વિષયો ભોગવ્યા. અનાદિકાળથી આ રીતે ભોગવતા આવ્યા છીએ, છતાંય તૃપ્તિ થઈ નહીં ને થશે પણ નહીં. માટે આવા ભોગોને ત્યાગી દઈ ત્યાગનો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. એનાથી આત્મસુખ મળે છે. સાચું સુખ મળે છે. એ સુખ પાસે આ વિષયભોગ તુચ્છ લાગે છે. હવે કોશાને સત્ય સમજાવા લાગ્યું. હાથ જોડીને કહે છે, “મને આ સત્યમાર્ગ પર જવાનો પંથ બતાવો.’” મુનિ એને બારવ્રતથી સમજણ આપે છે. કોશાને કીધી છે સમકિતધારી,
વિષય સુખ નીવારી,
એવા સાધુને જાઉં બલિહારી.’
ચાર મહિના પૂર્ણ થયે સ્થૂલિભદ્રજીએ કોશા પાસે જવાની રજા માગી. કોશાનો પરિવાર મુનિને વળાવવા આવ્યો. હવે કોશાની આંખોમાં આક્રોશ નહીં, નરી સ્થિરતા છે. હવે હૃદયમાં સંતોષ છે. કંઈ પામ્યાનો આનંદ છે. પ્રેમપૂર્વક મુનિને વિદાય આપી.
મુનિ પોતાના ગુરુ પાસે પહોંચ્યા. ગુરુના ચરણોમાં નમ્યા ત્યાં જ ગુરુએ તેમને ગળે લગાડી દીધા અને બોલી ઊઠ્યા, “દુષ્કર, દુષ્કર, દુષ્કર. તમે અત્યંત કઠિન કામ પાર પાડીને વિજેતા બન્યા છો. કામના ઘરમાં રહીને કામને જીત્યો છે. તમને ધન્ય છે. તમે ચોરાસી લાખ ચોવીસી સુધી પ્રાતઃ સ્મરણીય બની રહેશો.”
આવા સાનુકૂળ ઉપસર્ગોને મહાત કરી વિજેતા બનનાર સ્થૂલિભદ્રજી એક જ સાચા પ્રિયતમ હતા કે જેમણે પોતાને લાધેલું સત્ય પ્રિયતમાને પણ સમજાવ્યું. તેને એકલી, અટૂલી રડતી મૂકી જવાને બદલે તેને પણ સત્યનો માર્ગ બતાવવા આવ્યા.
‘ધન્ય છે આવા મુનિને.’
(૧૮૮)